નેશનલમનોરંજન

એનિમલ ફિલ્મમાં ગુંડાગીરી માટે અર્જન વેલીનો ઉપયોગ કરવા બદલ શિખ સમુદાય નારાજ, લખ્યો પત્ર

નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ છે તો બીજી બાજુ ફિલ્મની ટીકા પણ એટલી જ થઈ રહી છે. તેવામાં હવે એક નવો પડકાર આવીને ઊભો છે. ઓલ ઈન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ કરનૈલ સિંહ પીર મોહમ્મદએ સેન્સર બોર્ડને પત્ર લખીને શીખોને લઈને ફિલ્મમાં દર્શાવવામાં આવેલા વિવાદાસ્પદ દ્રશ્યોને હટાવવાની માંગ કરી છે.

રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ એનિમલએએ રિલીઝ થયા પછી ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે, પરંતુ તેમાં બતાવવામાં આવેલા ઘણા સીન પર વિવાદ છે. અગાઉ રણબીરના પાત્રને ઝેરી અને મહિલા વિરોધી ગણાવવામાં આવ્યું હતું. પરંતુ હવે એનિમલ પર શીખ ધર્મનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. શીખ સમુદાયે ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે વિરોધ વ્યક્ત કર્યો છે.

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ઓલ ઈન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ કરનૈલ સિંહ પીર મોહમ્મદએ સેન્સર બોર્ડને એક પત્ર લખીને ફિલ્મમાંથી શીખોને લઈને વિવાદિત દ્રશ્યને હટાવવાની માંગ કરી છે. તે કહે છે કે ફિલ્મના એક સીનમાં રણબીર કપૂર એક ગુરસિખના મોં પર સિગારેટનો ધુમાડો છોડતો જોવા મળે છે. અન્ય એક દ્રશ્યમાં તે ગુરસિખ યુવકની દાઢી પર ચાકુ રાખતો પણ જોવા મળે છે. આવા દૃશ્યોનો તેમણે વિરોધ કર્યો છે.

એટલું જ નહીં શીખ સંગઠને એનિમલના પ્રખ્યાત ગીત ‘અર્જન વેલી’ પર પણ વાંધો વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે આ ગીતમાં શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી દ્વારા ગવાયેલું પરંપરાગત ઐતિહાસિક ગીત ફિલ્મમાં ગુંડાગીરી અને ગેંગ વોર માટે વપરાયું છે. સંગઠને સેન્સર બોર્ડને ફિલ્મમાંથી આ દ્રશ્યો હટાવવાની માંગ કરી છે, જેથી લોકો પર તેની નકારાત્મક અસર ન પડે. જોકે ફિલ્મ લાખો લોકો સુધી પહોંચી શકી છે ત્યારે હવે સેન્સર બોર્ડ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપે તેની રાહ જોવાઈ રહી છે.


એનિમલના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો વિવાદોમાં હોવા છતાં ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના 10માં દિવસે 37 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. માત્ર 10 દિવસમાં ફિલ્મનું કુલ નેટ ઈન્ડિયા કલેક્શન 433 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. તે જ સમયે, વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી 700 કરોડ રૂપિયાને પાર કરી ગઈ હોવાનું રિપોર્ટ્સ જણાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button