ટીવીની દુનિયા આવી છે? શ્વેતા તિવારીના ઈન્ટરવ્યુએ છેડ્યો વિવાદ | મુંબઈ સમાચાર

ટીવીની દુનિયા આવી છે? શ્વેતા તિવારીના ઈન્ટરવ્યુએ છેડ્યો વિવાદ

ફિલ્મોની જેમ ટીવીની દુનિયામાં ચમકવા માટે લાખો યુવાનો મુંબઈ સહિતના શહેરોમાં પ્રોડક્શન હાઉસ બહાર આટા મારતા હોય છે, પણ બહારની ચમકતી લાગતી આ દુનિયાની રિયાલિટી કંઈક અલગ જ છે. ફિલ્મી સિતારાઓ કરતા પણ વધારે સંઘર્ષ અહીં કરવો પડે છે.

તાજેતરમાં ભારતી સિંહના પોડકાસ્ટમાં અભિનેત્રી શ્વેતા તિવારીએ આપેલા એક નિવેદન બાદ આ મામલે ફરી પ્રકાશમાં આવ્યો છે. કસૌટી જિંદગી કી ટીવી સિરિયલની પ્રેરણા બની ઘર ઘરમાં મશહૂર થનારી શ્વેતા 55 વર્ષની ઉંમરે પણ યંગ અને હોટ દેખાય છે. દીકરી પલક સાથે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. ટીવીજગતની સૌથી શ્રીમંત ગણાતી અભિનેત્રી શ્વેતાએ સિરિયલ સમયના સ્ટ્રગલની વાત કરતા કહ્યું હતું કે અમે એક સાથે 72 કલાક કામ કરતા હતા. સિરિયલ સાથે કામ કરનારા ક્યારેય સૂતા નથી. મારી શિફ્ટ સવારે સાતથી સાંજે સાત વાગ્યાની હતી, પરંતુ બીજા દિવસે સાત વાગ્યા સુધી અમે કામ કરેલું છે. આ સાથે તેણે એમપણ કહ્યું કે 30 દિવસનો મહિનો હોય પણ મને 45 દિવસનો ચેક મળતો હતો.

આ પણ વાંચો: શ્વેતા તિવારીની પેરેન્ટિંગ સ્ટાઈલ જાણો: પુત્રી પલક માટેના નિયમોનો પોડકાસ્ટમાં ખુલાસો

શ્વેતાના આ નિવેદન બાદ ટીવીજગતમાં કામના કલાકો અને મહેનતાણા મામલે વિવાદ છેડાયો છે. અગાઉ સ્મૃતિ ઈરાની સહિતના કલાકારો સિરિયલોમાં કામ કરતા કલાકારોની તકલીફો વિશે કહી ચૂક્યા છે. શ્વેતાના આ નિવેદન બાદ ઑલ ઈન્ડિયા સિને વર્કસ એસોસિયેશનના પ્રેસિડેન્ટ સુરેશ ગુપ્તાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે આ હકીકત છે ટીવીજગતમાં કામ કરતા લોકોની અને તેમને ઘણીવાર મહિનાઓ સુધી મહેનતાણું નથી મળતું અને કામના કલાકો પણ નક્કી નથી હોતા. આને લીધે તેઓ ઘણી બીમારીના શિકાર પણ બને છે.

https://twitter.com/AICWAOfficial/status/1949036502220218660

અગાઉ ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકણે પણ કામના કલાકો 8 રાખવાની માગણી કરી હતી અને તેણે એક ફિલ્મ ગુમાવવી પડી હતી. ફિલ્મ કે સિરિયલ મેકિંગ અઘરો અને અલગ વિષય છે એટલે કામના કલાકો અને મુશ્કેલીઓ આવતી રહે છે, પરંતુ કામ કરતા લોકોની સવલતો સચવાતી નથી અને તેમને પૈસા પણ પૂરતા મળતા ન હોવાની ફરિયાદો છાશવારે થયા કરે છે.

એકતા કપૂર વિશે શું કહ્યું શ્વેતાએ

એકતા કપૂરની સિરિયલથી લાઈમલાઈટમાં આવેલી શ્વેતાએ કહ્યું કે એકતા તે સમયે 22 શૉ એક સાથે કરતી હતી, પરંતુ તે એટલી એક્ટિવ હતી કે એક ફોનની એક રીંગ વાગે કે તરત તે ફોન ઉપાડતી અને તમારી સાથે વાતો કરતી. એકતા એકવાર સિન તમને સમજાવી દે પછી તમને કોઈ કન્ફ્યુઝન થતું નહીં. તેણે એમ પણ કહ્યું કે એકતા ટીઆરપી કે દર્શકોને ગમે તે માટે સિરિયલો ન હતી બનાવતી, પરંતુ તે પોતાના આનંદ માટે કામ કરતી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button