આમચી મુંબઈમનોરંજન
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારઃ મૃતક આરોપીના પરિવારની હાઇ કોર્ટમાં અરજી

મુંબઈ: હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર સંબંધિત કેસમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા આરોપી અનુજ થાપનના પરિવારે અનુજના મૃત્યુની સીબીઆઈ દ્વારા જાંચ કરવા માટે બોમ્બે હાઇ કોર્ટમાં અરજી કરી છે.
જેલના સળિયા પાછળ અનુજે આત્મહત્યા કરી હતી એવો દાવો પોલીસે કર્યો છે જ્યારે મૃતકની માતા રીટા દેવીએ શુક્રવારે હાઇ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કોઈ મેલી રમત રમાઈ હોવાનો આક્ષેપ કરી પુત્રની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો છે.
ટૂંક સમયમાં આ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે, એ અરજીમાં રીટા દેવીએ પુત્રના મૃત્યુ અંગે તપાસ કરવા હાઇ કોર્ટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને નિર્દેશ આપે એવી રજૂઆત કરી છે.
પોલીસ કસ્ટડીમાં અનુજની પીટાઈ કરવામાં આવી હતી અને એના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો એવો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.