Sholay: 50 વર્ષ પછી પણ સુપરહિટ, જાણો ‘શોલે’ના શૂટિંગ દરમિયાન થયેલા અજાણ્યા કિસ્સાઓ વિશે

15મી ઓગસ્ટના રોજ બોલીવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ શોલેની ગોલ્ડન જ્યુબિલી એટલે કે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. શોલે ફિલ્મ એ બોલીવૂડની કલ્ટ ફિલ્મ છે. વર્ષો બાદ આજે પણ આ ફિલ્મને લઈને લોકોની દિવાનગી એકદમ એવીને એવી જ છે. શોલે બાદ બોલીવૂડમાં આવી બીજી ફિલ્મ બની જ નથી. આજે આપણે અહીં આ ફિલ્મ સાથે સંકળાયેલા કેટલાક એવા કિસ્સા વિશે વાત કરીશું કે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે. ચાલો જાણીએ જાણીતી શોલેના અજાણ્યા હિડન ફેક્ટ્સ વિશે-
રોલની થઈ અદલાબદલી…

જી હા, સાંભળવામાં તમને અજીબ લાગશે, પણ આ હકીકત છે. શરૂઆતમાં હી-મેન એટલે કે ધર્મેન્દ્રની પસંદગી વીરુના રોલ માટે અને અમિતાભ બચ્ચનની પસંદગી જયના રોલ માટે કરવામાં આવી હતી. પરંતુ ધર્મેન્દ્રને જયનો રોલ વધારે પસંદ આવ્યો હતો. બાદમાં બંનેના રોલને સ્વેપ કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: શોલેની ગોલ્ડન જ્યુબિલી: 50 વર્ષ પછી પણ ‘ગબ્બર’ કેમ ભૂલાતો નથી?
… તો અમઝદ ખાન ના બન્યા હોત ગબ્બર

ફિલ્મ શોલેની વાત થતી હોય અને ફિલ્મના વિલન ગબ્બરની યાદ ના આવે તો જ નવાઈ. અમઝદ ખાને આ ફિલ્મમાં ગબ્બરનો રોલ કર્યો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ રોલ માટે અમઝદ ખાન પહેલી પસંદ નહોતા. અમઝદ ખાન પહેલાં આ રોલ ડેની ડોંગ્ઝપ્પાને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની ડેટ્સ ના મળતા આખરે અમઝદ ખાનને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો. અમઝદ ખાને આ રોલને એટલો બખૂબી નિભાવ્યો કે તેઓ ઈન્ડિયન ફિલ્મ હિસ્ટ્રીના સૌથી યાદગાર વિલન બની ગયા.
ફિલ્મના ડાયલોગ છે યાદગાર

ફિલ્મ શોલેના અનેક ડાયલોગ આજે પણ લોકોના હોઠે રમતા હોય છે જેમ કે કબ હૈ હોલી, કિતને આદમી થે, અબ તેરા ક્યા હોગા કાલિયા? વગેરે વગેરે…એમાંથી જ એક એટલે કિતને આદમી થે? આ ડાયલોગનો જન્મ સલીમ જાવેદની રાઈટિંગથી થયો હતો. અમઝદ ખાને આ ડાયલોગને એટલી સરળતાથી બોલી દીધો કે તે આજે પણ લોકોના હોઠ પર રમી રહ્યો છે.
આ પણ વાંચો: અમેરિકામાં છવાયા ‘શોલે’ના બાળ કલાકાર, સફળ ઉદ્યોગપતિ બનનાર આ અભિનેતા કોણ છે?
સાચે ઘોડાગાડી ચલાવવાનું શીખવું પડ્યું

ડ્રીમ ગર્લ હેમા માલિનીએ આ ફિલ્મમાં બસંતીનો રોલ કર્યો હતો અને આ રોલ નિભાવવા માટે તેમણે ખાસ્સી મહેનત કરવી પડી હતી. એક ઈન્ટરવ્યુમાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે ફિલ્મમાં ટાંગો ચલાવવા માટે તેમને હકીકતમાં ટાંગો ચલાવવાની ટ્રેનિંગ લેવી પડી હતી.
રામનગર બની ગયું રામગઢ

જી હા જે રામગઢ ગામની સ્ટોરી ફિલ્મ શોલેમાં દેખાડવામાં આવી છે એ હકીકતમાં તો કર્ણાટકનું રામનગર છે. આ સેટ બનાવવામાં મહિનાઓનો સમય લાગ્યો હતો અને એ સમયમાં શોલેના આ સેટ સૌથી મોંઘા સેટમાંથી એક હતો.
આ પણ વાંચો: ‘શોલે’ના 50 વર્ષ: કટોકટીએ ક્લાઈમેક્સ પર કાતર ફેરવી, તેમ છતાં ફિલ્મ કેવી રીતે સુપરહીટ બની?
છોટા પેકેટ બડા ધમાકા
શોલે ફિલ્મના દરેક કેરેક્ટરની દર્શકો પર ખાસ છાપ છોડી હતી જે વર્ષો બાદ પણ લોકોના મનમાં તાજી છે. આ ફિલ્મના નાના નાના કેરેક્ટરે પણ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. એમાંથી જ એક કેરેક્ટર એટલે સાંભા. આ રોલ મૈક મોહને કર્યો હતો. તેમનો રોલ ભલે નાનકડો હતો, પણ તેમનો ડાયલોગ પૂરે પચાસ હજાર આજે પણ લોકોના હોઠે રમે છે.