શોકિંગઃ વ્હોટ્સએપ પર આ મેસેજ લખીને આ ભોજપુરી અભિનેત્રીએ ભર્યું અંતિમ પગલું
ભાગલપુર: લાઇમલાઇટમાં રહેતા ફિલ્મી સિતારાઓ ખરી લાઇફમાં કેટલા અંધકારમાં હોય છે અને કંટાળીને હતાશામાં આત્મહત્યા કરી લેતા હોય છે તેના અનેક ઉદાહરણો છે. આ જ રીતે વધુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બિહારના ભાગલુપરમાં સામે આવી છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અમૃતા પાંડે ઉર્ફે અન્નપૂર્ણાએ પોતાની સાડીથી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.
અન્નપૂર્ણાએ પોતાનું જીવન ટૂંકાવતા ભોજપુરી ઇન્ડસ્ટ્રીના તેના ઘણા સાથી કલાકારો અને મિત્રોને આંચકો લાગ્યો છે. ભાગલપુરના આદમ ઘાટ પાસે આવેલા દિવ્યધર્મ એપાર્ટમેન્ટના મકાનમાંથી અન્નપૂર્ણાનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
ભાગલપુર પોલીસે અન્નપૂર્ણાના મૃતદેહનો તાબો લઇને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે તેમ જ ઘટનાસ્થળની ફોરેન્સિક તપાસ પણ કરાવી છે. પોલીસે ઘટનાસ્થળેથી જે સાડીથી ગળાફાંસો ખાધો તે સાડી, મોબાઇલ સહિત અન્ય વસ્તુઓ તાબામાં લીધી છે.
આ પણ વાંચો: કફ પરેડમાં યુવતીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ યુવકની ધરપકડ
જોકે, આત્મહત્યા પહેલા અન્નપૂર્ણાએ વ્હોટ્સેપ પર જે સ્ટેટસ મૂક્યું હતું, તેની ખૂબ ચર્ચા થઇ રહી છે અને લોકો તેની આત્મહત્યા સાથે આ સ્ટેટસને જોડી રહ્યા છે. અન્નપૂર્ણાએ પોતાના વ્હોટ્સેપ સ્ટેટસમાં લખ્યું હતું કે તેનું જીવન દો નાંવ પર સવાર હૈ ઉસકી ઝિંદગી, હમને અપની નાંવ ડૂબા કર ઉસકી રાહ કો આસાન કર દીયા (બે હોડી પર સવાર છે તેનું જીવન, મેં મારી હોડી ડૂબાડીને તેનો માર્ગ સરળ બનાવી દીધો).
મળેલી માહિતી મુજબ અન્નપૂર્ણાની બહેન સાડા ત્રણ વાગ્યે જ્યારે તેના રૂમમાં ગઇ ત્યારે તે ગળાફાંસો ખાધેલી હાલતમાં હતી. તેની બહેને ચાકુથી ગળાફાંસો કાપીને તેના મૃતદેહને નીચે બેડ પર ઊતાર્યો.
તેના કુટુંબીજનોએ જણાવ્યા મુજબ તે ડિપ્રેશનમાં હતી. તેના લગ્ન છત્તીસગઢના બિલાસપુરના ચંદ્રમણિ ઝાંગડ સાથે થયા હતા, જે મુંબઈમાં એનિમેશન એન્જિનિયર છે. 2022માં બંનેના લગ્ન થયા હતા અને તેમને કોઇ સંતાન નહોતું. તે પોતાના કરિઅરને લઇને પણ ચિંતામાં હતી અને ડિપ્રેશનની સારવાર પણ લઇ રહી હતી.
અન્નપૂર્ણા ભોજપૂરી ફિલ્મો ઉપરાંત હિંદી ફિલ્મો, વેબ સિરીઝ, ટીવી સિરિયલ તેમ જ અનેક એડ્વર્ટાઝમેન્ટમાં પણ કામ કરી ચૂકી હતી. હાલમાં જ તેની એક હોરર વેબ સિરીઝ ‘પ્રતિશોધ’નો પહેલો ભાગ રિલીઝ થયો હતો અને તેને લઇ તે ખૂબ ઉત્સાહિત પણ હતી. પોલીસ દરેક પાસાની ઝીણવકપૂર્વક તપાસ કરી હોવાની માહિતી પણ મળી હતી.