શિલ્પા શેટ્ટીની મુશ્કેલી વધી: બેસ્ટિયન રેસ્ટોરન્ટ મામલે મુંબઈ અને બેંગલુરુમાં આવકવેરા વિભાગના દરોડા

મુંબઈ: બોલીવૂડ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને ગુરુવારે સવારથી આવકવેરા વિભાગ (Income Tax) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી શિલ્પા શેટ્ટીની માલિકીની પ્રખ્યાત ‘બેસ્ટિયન’ (Bastian) રેસ્ટોરન્ટ ચેઈન સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોમાં કથિત ગેરરીતિઓને પગલે કરવામાં આવી રહી હોવાનું મનાય છે. સવારથી જ આઈટીની અલગ-અલગ ટીમો દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે, જેને પગલે મનોરંજન અને બિઝનેસ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
આવકવેરા વિભાગ દ્વારા માત્ર મુંબઈ જ નહીં, પરંતુ બેંગલુરુમાં પણ શિલ્પા શેટ્ટી અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલી કંપનીઓના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોટેલ વ્યવસાયમાં કરવામાં આવેલું રોકાણ, વાર્ષિક આવક અને ટેક્સની ચુકવણીમાં વિસંગતતા હોવાની શંકાના આધારે આ રેડ કરવામાં આવી છે. તપાસ એજન્સી હાલમાં કંપનીના તમામ ફાઈનાન્સિયલ રેકોર્ડ્સ અને બેંક ટ્રાન્ઝેક્શન ખંગાળી રહી છે. જોકે, આ બાબતે હજુ સુધી શિલ્પા શેટ્ટી કે તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
મહત્વનું છે કે, આવકવેરાના દરોડા પહેલા બુધવારે જ બેંગલુરુ પોલીસે ‘બેસ્ટિયન ગાર્ડન સિટી’ સહિત બે રેસ્ટોરન્ટ્સ વિરુદ્ધ નિયત સમય કરતા વધુ સમય સુધી સંચાલન કરવા બદલ ગુનો નોંધ્યો હતો. આ રેસ્ટોરન્ટમાં શિલ્પા શેટ્ટીની અંદાજે 50 ટકા હિસ્સેદારી હોવાનું કહેવાય છે. પોલીસની આ કાર્યવાહી બાદ શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને પોતાનો પક્ષ રાખ્યો હતો અને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે આ મુદ્દાઓને કાયદાકીય આધાર વગર ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે.
‘બેસ્ટિયન ગાર્ડન સિટી’ રેસ્ટોરન્ટનું સંચાલન બેસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા કરવામાં આવે છે, જેની સ્થાપના જાણીતા બિઝનેસમેન રંજીત બિન્દ્રાએ કરી હતી. અહેવાલો મુજબ, શિલ્પા શેટ્ટીએ વર્ષ 2019માં આ વેન્ચરમાં મોટું રોકાણ કર્યું હતું અને ત્યારથી તેઓ આ બ્રાન્ડ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. હાલમાં ચર્ચ સ્ટ્રીટ સ્થિત બેસ્ટિયન પબ પર પણ આઈટીના દરોડા પડ્યા હોવાની વિગતો મળી રહી છે. આ હાઈ-પ્રોફાઈલ રેડમાં આવનારા દિવસોમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.



