પહલગામ હુમલા કરતાં પણ વધુ સર્ચ થઈ ‘કાંટા લગા’ ગર્લ શેફાલી ઝરીવાલા, શા માટે?

મુંબઈ: અનિશ્ચિતતા અને અણધારી આફતો વચ્ચે આખરે વર્ષ 2025 હવે પૂર્ણતાના આરે છે. નવા વર્ષની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષ દરમિયાન દેશ અને દુનિયામાં અનેક મોટા કાર્યક્રમો અને દુ:ખદ ઘટનાઓ બની, જેની તપાસ ગૂગલ સર્ચ પર વધારે કરવામાં આવી હતી.
મહાકુંભ મેળાનું આયોજન હોય પહલગામમાં થયેલો આતંકી હુમલો હોય કે પછી અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના આ તમામ ઘટનાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું અને ગૂગલ સર્ચના માધ્યમથી લોકોએ તેની વિગતવાર માહિતી મેળવી હતી. જોકે, આ બધાની વચ્ચે એક એવું નામ પણ છે જેણે ટોપના સર્ચ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે.
વર્ષ 2025માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી ટોપ-10 ઇવેન્ટ્સ અને ઘટનાઓની યાદીમાં એક મોટું આશ્ચર્ય જોવા મળ્યું. આ લિસ્ટમાં અભિનેત્રી શેફાલી ઝરીવાલાનું નામ નવમા નંબરે છે, જ્યારે પહેલગામ આતંકી હુમલો 10મા સ્થાને રહ્યો હતો, જે દર્શાવે છે કે આ અભિનેત્રી વિશે જાણવાની જિજ્ઞાસા લોકોમાં આતંકવાદી હુમલા કરતાં પણ વધારે હતી.
આપણ વાચો: ધૂમ ફિલ્મની અભિનેત્રી રિમી સેન પ્લાસ્ટિક સર્જરી કરાવી શેફાલી ઝરીવાલા બની ગઈ
આખરે, ‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી શેફાલી ઝરીવાલા આ વર્ષે 42 વર્ષની વયે આ દુનિયા છોડી ગઈ હતી. 27 જૂનના થયેલા તેમના અચાનક નિધને તેમના ચાહકો સહિત સૌ કોઈને હચમચાવી દીધા હતા.
શેફાલી ઝરીવાલાના નિધનનું કારણ શું હતું તે જાણવા માટે લોકોએ ગૂગલ પર ખૂબ સર્ચ કર્યું હતું. એક અહેવાલ મુજબ, અભિનેત્રીનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, શેફાલી ઘણા સમયથી સતત એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ લઈ રહી હતી.
આપણ વાચો: આ હતી Shefali Jariwala ની અંતિમ ઈચ્છા, વીડિયો થયો વાઈરલ…
27 જૂનના દિવસે, તેમના ઘરમાં પૂજા હતી અને તેમણે વ્રત પણ કર્યું હતું. કહેવાય છે કે, ઉપવાસ હોવા છતાં તેણે એન્ટી-એજિંગ ઇન્જેક્શન લીધા, જે કાર્ડિયાક અરેસ્ટનું સંભવિત કારણ બની શકે છે. તેની તબિયત બગડતાં તેને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.
શેફાલી ઝરીવાલાને સૌથી વધુ લોકપ્રિયતા વર્ષ 2002માં રિલીઝ થયેલા મ્યુઝિક વીડિયો ‘કાંટા લગા’થી મળી હતી. આ હિટ ગીતના કારણે જ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘કાંટા લગા ગર્લ’ તરીકે ઓળખ મળી હતી. ત્યાર બાદ વર્ષ 2019માં અભિનેત્રી બિગ બોસ 13માં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે જોડાઈ હતી.
શેફાલી ઝરીવાલા છેલ્લે ટીવી શો ‘શૈતાની રસ્મેં’માં ‘કપાલિકા’ના રોલમાં જોવા મળી હતી. આ સિવાય, તેમણે અગાઉ વેબ સીરીઝ ‘બેબી કમ ના’માં પણ કામ કર્યું હતું. તેના અકાળે અવસાન બાદ, ચાહકોએ તેમની ઉંમર, કારકિર્દી અને મોતનું કારણ જેવી તમામ અંગત અને વ્યવસાયિક માહિતી ગૂગલ પર ખૂબ શોધી હતી, જેના પરિણામે તેઓ સૌથી વધુ સર્ચ થયેલી ટોપ-10 હસ્તીઓમાં સામેલ થયા.



