શેફાલી જરીવાલાના અંતિમસંસ્કારમાં પરિવારજનો થયા ભાવુક, બિગ બોસના કલાકારોએ પણ આપી શ્રદ્ધાંજલિ…

મુંબઈ: પાછલા વર્ષોમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી હસ્તીઓનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. જેમાં એક વધુ નામનો ઉમેરો થયો છે. કાંટા લગા ગર્લ તરીકે જાણીતી બનેલી 42 વર્ષીય અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. જેનાથી ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સમાં શોકનો માહોલ છે.
શેફાલી જરીવાલાના અંતિમસંસ્કાર
27 જૂનની રાત્રે શેફાલી જરીવાલાનું હાર્ટ એટેકના કારણે નિધન થયાની વાત સામે આવી હતી. આજે પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. શેફાલી જરીવાલાની અંતિમવિધિ માટે ઓશિવરાના સ્મશાન ઘાટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારમાં શેફાલી જરીવાલાનો પતિ પરાગ ત્યાગી સહિત તેના પરિવારજનો તથા તેના મિત્રો હાજર રહ્યા હતા. શેફાલી જરીવાલાના અંતિમસંસ્કાર દરમિયાન દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.
બિગ બોસ 13ના બે સ્પર્ધકનું નિધન
શેફાલી જરીવાલા બિગ બોસની 13મી સીઝનની સ્પર્ધક પણ હતી. આ શોના અન્ય સ્પર્ધકો જેવા કે હિન્દુસ્તાની ભાઉ, માહિરા શર્મા, આરતી સિંહ તેના સારા મિત્રો બની ગયા હતા. આ ત્રણેય શેફાલી જરીવાલાના અંતિમદર્શન માટે પહોંચ્યા હતા. બિગ બોસની 13મી સીઝનની શેફાલી એવી બીજી સ્પર્ધક છે, જેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. આ સીઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું પણ 2021માં હાર્ટ એટેકના કારણે 40 વર્ષની વયે અવસાન થયું હતું.
‘કાંટા લગા’થી કરિયરની શરૂઆત
2002માં ‘કાંટા લગા’ ગીતથી શેફાલીએ પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે મુજસે શાદી કરોગી, હુડુગારૂ(કન્નડ) ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. આ સિવાય તેણે બૂગી વૂગી (2008), નચ બલિયે (સીઝન 5 અને 7), બિગ બોસ 13 જોવા રિયાલીટી શો તથા શૈતાન રસ્મે ટીવી સીરિયલમાં પણ કામ કર્યું હતું.