એનસીપી (એસપી)ના વડા શરદ પવારે પહલગામ આતંકવાદી હુમલા પર ખાસ સંસદ સત્ર બોલાવવાની કોંગ્રેસની માગણીને સમર્થન આપ્યું

થાણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે બુધવારે પહલગામ આતંકવાદી હુમલા પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની કોંગ્રેસની માગણીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આનાથી દેશમાં એકતાનો સંદેશ જશે.
અહીં ‘તુળજા ભવાની’ મંદિરમાં પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા, પવારે કાશ્મીરમાં પ્રવાસીઓના હત્યાકાંડને દેશ પર હુમલો ગણાવ્યો અને કહ્યું કે કેન્દ્ર આ મામલે જે પણ પગલાં લેશે તેમાં તેઓ તેમને સમર્થન આપશે.
‘અમારા કેટલાક સાથીઓએ (સંસદના ખાસ સત્ર બોલાવવાની) માગણી કરી છે. આખો દેશ આ મુદ્દા પર એક છે. બધા પક્ષો અને સંસદ એક છે. (પહલગામ પર) એક ખાસ સત્ર દુનિયાને આ સંદેશ મોકલવા માટે ઉપયોગી થશે,’ એમ પવારે કહ્યું હતું.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પહલગામ આતંકવાદી હુમલા પર ચર્ચા કરવા અને સામૂહિક સંકલ્પ દર્શાવવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે.
‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારો જે પણ પગલાં લેશે તેને અમે સંપૂર્ણ સમર્થન આપીશું,’ એમ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાને કહ્યું હતું અને ઉમેર્યું કે આવા મામલાઓમાં ધર્મ, જાતિ અને ભાષાને સામેલ ન કરવી જોઈએ.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વચ્ચે સમાધાનની શક્યતા વિશેના પ્રશ્ર્નનો પણ જવાબ આપ્યો હતો.
‘જો આવું થાય છે, તો તે સારા માટે છે. જ્યારે બે પરિવારો એક સાથે આવે છે, ત્યારે તે હંમેશા સકારાત્મક વિકાસ હોય છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘જ્યારે હું મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન હતો, ત્યારે મેં પંઢરપુર મંદિરમાં ઘણી વખત ‘પૂજા’ કરી હતી અને ઘણી વખત તુળજાપુરમાં તુળજા ભવાની મંદિરની મુલાકાત પણ લીધી હતી, ’ એમ તેમણે ઉમેર્યું હતુું.