કેવો જોગાનુંજોગઃ રાજકપૂરની કારકિર્દીમાં જેમના ગીતોએ ચાર ચાંદ લગાવ્યા તેમની આજે ડેથ એનીવર્સરી
હિન્દી સિનેમાજગતનો 1950થી 1980 સુધીનો દાયકો સંગીતજગતનો પણ સુવર્ણયુગ કહેવાય છે. આ અરસામાં હિન્દી સિનેમાને ઘણા ગીતકારો અને સંગીતકારોએ સમૃદ્ધ બનાવ્યો છે. ફિલ્મોને સફળ બનાવવામાં ગીતોએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે અને આજે જેમની 100મી બર્થ એનીવર્સરી ઉજવાઈ રહી છે તે રાજ કપૂરની ફિલ્મોને ચાર ચાંદ લગાવનારા પણ ગીતો જ છે.
રાજ કપૂરની ફિલ્મોના સુમધુર ગીતોની યાદી બનાવવી લગભગ મુશ્કેલ છે કારણ કે આ યાદી એટલી લાંબી છે કે એકાદ બે ગીતને બાદ કરતા તમામ ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે, પણ દુઃખની વાત તો એ છે કે આ ગીતોના ગીતકારની આજ ડેથ એનીવર્સરી છે.
રાજ કપૂરની ફિલ્મો માટે જેમણે સૌથી વધારે ગીતો લખ્યા છે તે શૈલેન્દ્ર આજના દિવસે જ દુનિયા છોડી જતા રહ્યા હતા.
રોમાન્ટિક હોય કે સેડ સૉંગ, ડાન્સ નંબર હોય કે ભજન શૈલેન્દ્રના શબ્દોનો જાદુ અલગ જ હતો. Raj Kapoorથી એક જ વર્ષ મોટા શૈલેન્દ્રનો જન્મ 30 ઑગસ્ટ, 1923માં રાવલપિંડી (હાલ પાકિસ્તાન)માં થયો હતો અને તતેમનું મૃત્યુ આજના દિવસે 14મી ડિસેમ્બર, 1966માં થયું હતું.
નાની ઉંમરે મોતને ભેટ્યા હોવા છતાં માત્ર 18 વર્ષની ગીતકાર-લેખક તરીકેની કરિયરમાં તેમણે 800 ગીત લખ્યા હતા.
શૈલેન્દ્ર રેલવેમાં વેલ્ડરનુ કામ કરતા હતા અને પોતાના શોખથી ગીતો લખતા. રાજ કપૂરે તેની ફિલ્મ આગ માટે જ્યારે તેમને ગીતો લખવાનું કહ્યું ત્યારે શૈલેન્દ્રએ ના પાડી દીધી અને પોતે માત્ર લોકોમાં જાગૃત્તિ લાવવા માટે લખે છે તેમ કહ્યું હતું. જોકે ત્યારબાદ પૈસાની જરૂરતે તેમણે બરસાતના બે ગીત રાતોરાત લખ્યા ને આ લાંબો સથવારો રાજ કપૂર સાથે રહ્યો.
રાજ કપૂરને રશિયન દેશોમાં ફેમસ કરનારું ગીત મેરા જૂતા હૈ જાપાની શૈલેન્દ્રએ લખ્યું હતું.
Also read: રાજ કપૂર @ ૧૦૦ ડબ્બામાં બંધ રાજ કપૂર
શૈલેન્દ્ર સાદી સરળ હિન્દીમાં ગીતો લખતા જે લોકો સુધી સરળતાથી પહોંચતા હતા. માત્ર 47 વર્ષની ઉંમરે આજના દિવસે તેઓ મૃત્યુ પામ્યા, જ્યારે આજે રાજ કપૂરનો જન્મદિવસ છે.