
કોલકાતા: આઈપીએલનો ધમાકેદાર આરંભ થઈ ગયો છે. બે દિવસની અંદર ત્રણ રોમાંચક મુકાબલા રમાઈ ચૂક્યા છે. એમાં પણ ખાસ કરીને શનિવારે મધરાત પહેલાંની રસાકસી જોવા જેવી હતી.
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કલાસેનની આઠ સિક્સરવાળી જબરદસ્ત ફટકાબાજી છતાં કોલકાતાની ટીમ હૈદરાબાદને છેલ્લા બૉલમાં હરાવવામાં સફળ થઈ હતી.
મૅચ એટલી બધી રોમાંચક થઈ હતી કે વાત ન પૂછો. શું થશે એની ઇંતેજારીમાં ઘણાય પ્રેક્ષકો નખ ચાવતા અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. જોકે આપણો શાહરુખ ખાન કોઈ ડ્રામા વિના પાછો જાય!
આપણા કિંગ ખાને ફરી જાહેર સ્થળે સ્મોકિંગ કરીને વિવાદ ઊભો કર્યો. તે પોતાના સ્ટેન્ડમાં સ્મોકિંગ કરતો જોવા મળ્યો હતો.
થોડા વર્ષ પહેલા વાનખેડેમાં ઝઘડો કરીને સ્ટેડિયમમાં પ્રવેશ પરનો પ્રતિબંધ ભોગવી ચૂકેલા શાહરુખે ૨૦૧૨માં જયપુરના સ્ટેડિયમમાં સિગારેટ પીને વિવાદ વ્હોર્યો હતો. ત્યારે જયપુરની કોર્ટમાં તેની વિરુદ્ધ કેસ પણ નોંધવાયો હતો.
સ્ટેડિયમ પબ્લિક પ્લેસ છે અને ત્યાં સ્મોકિંગ બાબતમાં કેટલાક કાનૂન હોય છે. સ્ટેડિયમમાં સિગારેટ પીવી ગેરકાનૂની છે.