બોલિવૂડમાં વિવાદોનો વંટોળ: શાહરૂખ ખાન અને નુસરત ભરૂચા ધર્મગુરુઓના નિશાને, જાણો શું છે સમગ્ર મામલો

મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડના કલાકારો વિવાદનો ભોગ બની રહ્યા છે. મોટાભાગે આ વિવાદો ધાર્મિક લાગણી સાથે જોડાયેલા હોય છે. તાજેતરમાં બોલીવૂડના બે એવા કલાકારો છે, જેઓ વિવાદને લઈને ચર્ચામાં આવ્યા છે. આ બે પૈકીના એક કલાકાર તો ખાન ત્રિપુટી પૈકીનો એક કલાકાર છે.
IPLમાં ક્રિકેટરની ખરીદીનો વિવાદ
તાજેતરમાં શાહરૂખ ખાન ધર્મગુરૂઓની ટીકાનો શિકાર બન્યા છે. શાહરૂખ ખાને પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)માં બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કર્યો છે. એક તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ શાહરૂખ ખાન દ્વારા ભરાયેલું આ પગલું વિવાદનું કારણ બન્યું છે.
જાણીતા કથાકાર દેવકી નંદન ઠાકુરે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલી હિંસાનો ઉલ્લેખ કરી શાહરૂખના આ પગલાને અયોગ્ય ગણાવ્યું છે. દેવકી નંદન ઠાકુરે શાહરૂખ ખાન પર આકરા પ્રહાર કરતા સવાલ કર્યો કે, “જે દેશે તમને સ્ટાર બનાવ્યા, તે દેશના લોકોની લાગણી દુભાય તેવો નિર્ણય કેવી રીતે લઈ શકાય?” સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દેવકી નંદન ઠાકુર ઉપરાંત ભાજપના ધારાસભ્ય સંગીત સોમે અને જગદ્ગુરુ રામભદ્રાચાર્યજીએ પણ શાહરૂખ ખાન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
મુસ્લિમ અભિનેત્રી મંદિરમાં જતા ફતવો જાહેર
જ્યારે નુસરત ભરૂચાએ તાજેતરમાં મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી, ત્યારે બરેલીના એક મુસ્લિમ મૌલવીએ તેમના વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો, જેમાં તેમના કૃત્યને “હરામ” અને શરિયા કાયદા હેઠળ “પાપ” જાહેર કરવામાં આવ્યો હતો, અને તેમને પસ્તાવો કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઘટનાએ વ્યક્તિગત સ્વતંત્રતા અને ધાર્મિક સીમાઓ વિશે ઓનલાઈન મોટી ચર્ચા જગાવી હતી.
શાહરૂખ ખાન સિવાય અભિનેત્રી નુસરત ભરૂચા પણ વિવાદનો ભોગ બની છે. નુસરત ભરૂચાએ તાજેતરમાં ઉજ્જૈન ખાતેના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને જ્યોર્તિલિંગના દર્શન કર્યા હતા. જેને લઈને બરેલીના એક મૌલવીએ નુસરત ભરૂચા વિરૂદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. મૌલવીએ નુસરત ભરૂચાના આ કૃત્યને ‘હરામ’ તથા શરિયાના કાયદા હેઠળ ‘પાપ’ ગણાવ્યું છે. મૌલવીએ નુસરતને પોતાના આ કૃત્ય બદલ પ્રાયશ્ચિત કરવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન તથા નુસરત ભરૂચા ઉપરાંત પાછલા વર્ષોમાં પણ અનેક ફિલ્મી કલાકારો હિંદુ તથા મુસ્લિમ ધર્મગુરૂઓની ટીકાનો ભોગ બની ચૂક્યા છે. જેમાં દીપિકા પદુકોણ, રણવીર સિંહ, સની દેઓલ, રણદીપ હુડા, આમિર ખાન, ઇરફાન ખાનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…શાહરૂખે IPLમાં KKR માટે બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદીને દેશદ્રોહ કર્યો ?



