60મા જન્મદિવસ પર શાહરૂખે ચાહકોને આપી મોટી ભેટ, 7 આઇકોનિક ફિલ્મો ફરી સિનેમાઘરોમાં…

મુંબઈ: 2 નવેમ્બરના રોજ બોલીવુડના કિંગ શાહરૂખ ખાનનો જન્મ દિવસ છે. આ દિવસ તેના ચાહકો માટે એક તહેવાર સમાન હોય છે, મુંબઈમાં શાહરૂખના નિવાસસ્થાન મન્નતની સામે હજારો ચાહકો ઉમટી પડે છે. શાહરૂખ 60 વર્ષનો થવાનો છે, ત્યારે દેશ અને દુનિયામાં ફેલાયેલા તેના ચાહકોને શાહરૂખની આઇકોનિક ફિલ્મો ફરી થિયેટર્સમાં જોવા મળશે.
PVR INOX આગામી બે અઠવાડિયા માટે દેશના 30થી વધુ શહેરોમાં 75થી વધુ સિનેમાઘરોમાં શાહરૂખની આઇકોનિક ફિલ્મો રી રિલીઝ કરશે, જેના માટે બુકિંગ શરુ થઇ ચુક્યું છે અને કેટલાક શો ફૂલ થઇ ગયા છે. ભારત ઉપરાંત મધ્ય પૂર્વ, ઉત્તર અમેરિકા, યુકે-યુરોપ, ઓસ્ટ્રેલિયામાં પણ આ શાહરૂખની ફિલ્મો રી રિલીઝ થશે.
શાહરૂખ ખાન ફિલ્મ ફેસ્ટિવલ:
આજે શુક્રવારે શાહરૂખ ખાને તેની ફિલ્મો રી રિલીઝ થવાની જાહેરાત કરી, તેણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો. તેણે કેપ્શનમાં લખ્યું, “મારી કેટલીક અગાઉની ફિલ્મો થિયેટરોમાં ફરી આવી રહી છે. માથાના વાળ સિવાય એ ફિલ્મોમાં દેખાતો માણસ બહુ બદલાયો નથી… અને થોડો વધુ સુંદર દેખાવા લાગ્યો છે, શાહરૂખ ખાન ફિલ્મ ફેસ્ટિવલ 31 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે! PVR INOX ના સહયોગથી, સમગ્ર ભારતમાં પસંદગીના થિયેટરોમાં. YRF ઇન્ટરનેશનલ મધ્ય પૂર્વ, ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આ ફિલ્મો રિલીઝ કરશે.”

આ ફિલ્મો ફરી સિનેમાઘરોમાં:
આજથી શરૂ થઈ રહેલા આ શાહરૂખ ખાન ફિલ્મમાં “કભી હાં કભી ના,” “દિલ સે,” “દેવદાસ,” “મૈં હૂં ના,” “ઓમ શાંતિ ઓમ,” “ચેન્નઈ એક્સપ્રેસ,” અને “જવાન” જેવી ફિલ્મો PVR INOX ના સહયોગથી ભારતભરના થિયેટરો રિલીઝ થશે. સિનેપોલિસ પણ કેટલીક ફિલ્મો સ્ક્રીન કરશે.
 
 
 
 


