દાદાએ દાદીને રંગી આપી નેઈલ પોલીશ, વાયરલ વીડિયોએ લોકોનું દિલ જીત્યું

આજના સમયમાં દરેકને સોશિયલ મીડિયા પર વાયરલ થવાનો ક્રેઝ છે. જોકે વાયરલ થતા દરેક વીડિયો કે ફોટો લોકોને ગમે એવું જરૂરી નથી. પરંતુ એવા કેટલાક વીડિયો અને ફોટો હોય છે, જે લોકપ્રિય બને છે અને તેને વધુમાં વધુ લોકો શેર કરે છે. તાજેતરમાં ટ્રેનમાં મુસાફરી કરતા એક દાદા-દાદીનો વીડિયો વાયરલ થયો છે. જેને સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધા છે.
ટ્રેનમાં મુસાફરી કરતા દાદા-દાદીનો વીડિયો વાયરલ થવા પાછળનું કારણ તેમનો નિ:સ્વાર્થ પ્રેમ છે. આજના યુવાન પ્રેમીપંખીડાઓએ આ વાયરલ વીડિયો જોવા જેવો છે. વાયરલ વીડિયોમાં વૃદ્ધ મહિલાએ પોતાનો હાથ ટ્રેનની સીટ પર મૂક્યો છે. તેની સામે તેનો વૃદ્ધ પતિ બેઠો છે. પતિના હાથમાં નેઈલ પોલિશ છે. જેના વડે તે પોતાની પત્નીના નખ રંગી રહ્યો છે. સામાન્ય રીતે પુરૂષને પ્રેમ વ્યક્ત કરતા આવડતું હોતું નથી એવું લોકો કહેતા હોય છે. પરંતુ આ દાદાએ તે ઉક્તિને ખોટી પુરવાર કરી છે.
ટ્રેનમાં મુસાફરી કરતા એક મુસાફરે આ પતિ-પત્નીનો વીડિયો કેમેરામાં કેદ કરીને iamrohantamhane નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 11 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. દાદાજીએ તો તમામ મહિલાઓનું દિલ જીતી લીધું. એક યુઝરે એવી કમેન્ટ કરી હતી. બીજા યુઝરે કમેન્ટમાં લખ્યું કે, સાચો પ્રેમ એક સાથે વૃદ્ધ થઈ રહ્યો છે. એક મહિલા યુઝરે લખ્યું કે, જો પ્રેમ આવો દેખાય છે તો હું તેની રાહ જોઈ રહી છું. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, આજના સમયમાં આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે