ફક્ત માન મળતું કામ નહીં: FTIIમાંથી સ્નાતક થયેલા સતિષ શાહે આવું કેમ કહ્યું હતું?

મુંબઈ: 2025નું વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારું રહ્યું નથી. ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 3 હસ્તીઓનું નિધન થયું હતું. જેમાં હવે વધુ એક હસ્તીનો ઉમેરો થયો છે. સારાભાઈ વર્સીસ સારાભાઈ ફેમ સતિષ શાહના નિધનથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ટીવી સિરીયલ સિવાય સતિષ શાહે અનેક યાદગાર ફિલ્મો પણ આપી છે. જોકે, ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે અને ટકી રહેવા માટે સતિષ શાહે ઘણું સ્ટ્રગલ કર્યું હતું. પોતાના સ્ટ્રગલ અંગે અભિનેતા સતિષ શાહે એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી.
ફક્ત માન મળતું કામ નહીં
અભિનેતા સતિષ શાહ ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યૂટ'(FTII)માંથી સ્નાતક થયા હતા. પરંતુ તેમ છતાં તેઓને શરૂઆતના દિવસોમાં જોઈએ એવું કામ મળતું ન હતું. આ વાતનો સતિષ શાહે થોડા વર્ષો પહેલા પોતાના એક ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો. કોમલ નાહટાને ઇન્ટરવ્યુ આપતા સતિષ શાહે પોતાના શરૂઆતના સ્ટ્રગલના દિવસોને યાદ કર્યા હતા.
સતિષ શાહે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું કહેતો હતો કે હું આ સંસ્થામાંથી આવ્યો છું, ત્યારે મને થોડું ઘણું સન્માન મળતું હતું, બસ આટલું જ એના સિવાય બીજો કોઈ ફાયદો થતો ન હતો. એ જમાનામાં જ્યારે એક્ટર્સની પસંદગી તેમની બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો જોઈને થતી હતી. મારા માટે તે યોગ્ય ન હતું. કારણ કે હું એટલો સારો દેખાતો ન હતો. તેમને એવું ન હતું લાગતું કે હું નવો શ્મ્મી કપૂર છું અને મને એ વાતનો અહેસાસ હતો. હું હીરો બનવા આવ્યો ન હતો.”
મેં પ્રોડ્યુસરને મારો ફોટો ન આપ્યો
મારી સાથે જે કંઈ થયું, એ હસતા હસતા કહી રહ્યો છું. હું એક પ્રોડ્યુસરની ઓફિસમાં ગયો. એ દિવસોમાં ફેમસ સ્ટૂડિયોઝ ફિલ્મ પ્રોડ્યુસર્સ માટે સ્વર્ગ સમાન હતો. ત્યાં પહોંચ્યા બાદ, જો તમને અંદર પ્રવેશ કરવાની મંજૂરી મળી જાય, તો તમે સરળતાથી 10-15 પ્રોડ્યુસર્સને મળી શકતા હતા. ત્યાં મારી મુલાકાત એક પ્રોડ્યુસર સાથે થઈ, જે એ જાણીને પ્રભાવિત થયા કે હું FTIIમાંથી છું.
તેમણે મને પૂછ્યું કે, શું મેં ફિલ્મ ડિરેક્શન, સંપાલન વગેરેનો અભ્યાસ કર્યો છે? મેં જ્યારે તેમને જણાવ્યું કે, હું એક અભિનેતા છું. ત્યારે તેઓ ચોંકી ગયા. તેમણે મને મારો એક ફોટો માંગ્યો અને કહ્યું કે, જ્યારે કોઈ રોલ હશે ત્યારે તને ફોન કરવામાં આવશે. પરંતુ તે સમયે ફોટો ઘણા મોંઘા હતા. તેથી મેં મારો ફોટો આપ્યો નહીં. મેં તેમને કહ્યું કે, હું પછી ફોટો મોકલી આપીશ. મને વિશ્વાસ હતો કે તે મને ક્યારેય ફોન કરશે નહીં અને મને ક્યારેય મારો ફોટો મોકલવો પડશે નહીં.”
દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન સાથે કર્યું કામ
મેં ફિલ્મોમાં કામ મેળવવા માટે ઘમા રસ્તાઓ અજમાવ્યા. પરંતુ કોઈ રસ્તો કારગર નિવડ્યો નહીં. જોકે, તેમ છતાં તેઓને ફિલ્મોમાં નાના-નાના રોલ મળતા રહ્યા. આખરે તેઓને ‘શક્તિ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર સાથે કામ કરવાનો મોંકો મળ્યો. આ ફિલ્મમાં કામ કરીને સતિષ શાહને એક ફિલ્મ સ્ટાર જેવો અનુભવ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, સતિશ શાહે પોતાના કરિયરમાં અજીબ દાસ્તાં, ગમન, ઉમરાવ જાન, શક્તિ, જાને ભી દો યારો, વિક્રમ બેતાલ, મૈં હું ના જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.



