સતીશ શાહના અંતિમ સંસ્કાર; ફિલ્મ અને ટીવી જગતે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મુંબઈ: મનોરંજનની દુનિયા માટે આ દિવાળી એટલી ખુશહાલ નથી રહી. જાહેરાત જગતના દિગ્ગ્જ પિયુષ પાંડે અને પીઢ કલાકાર અસરાની બાદ, કલાજગતે વધુ એક સિતારો ગુમાવ્યો છે. પોતાના અભિનયથી લખો લોકોને હસાવનાર ગુજરાતી કલાકાર સતીશ શાહનું અવસાન થતાં, ફિલ્મ અને ટેલિવિઝન જગત આઘાતમાં છે.
રવિવારે બપોરે સતીશ શાહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના પરિવારના સભ્યો, મિત્રો અને સાથીદારોએ તેમને અશ્રુભીની વિદાય આપી. નસીરુદ્દીન શાહ, તેમના પત્ની રત્ના પાઠક શાહ, જે “સારાભાઈ વર્સિસ સારાભાઈ” માં સતીશ શાહના સહ-કલાકાર પણ હતા, ચાહકોના આ પ્રિય શોના અન્ય કલાકારો અને ફિલ્મ સમુદાયના સભ્યોએ તેમની અંતિમ વિદાયમાં હાજરી આપી હતી.
સતીશ શાહનું શનિવારે ૭૪ વર્ષની વયે કિડનીની બીમારીને કારણે અવસાન થયું. તેમના પરિવારમાં તેમના પત્ની મધુ શાહ છે, જે એક ડિઝાઇનર છે. સવારે ૧૧ વાગ્યે તેમના પાર્થિવ દેહને બાંદ્રા (પૂર્વ) સ્થિત તેમના ઘરે અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. બાદમાં તેમના મૃતદેહને વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. તેમના અંતિમસંસ્કાર શાહના અંગત સહાયક રમેશ કડાતલા દ્વારા કરવામાં આવ્યા હતા.
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પીટીઆઈને જણાવ્યું હતું કે, રમેશ કડાતલા લગભગ ૪૦ વર્ષથી આ દંપતી સાથે છે, અને તેમના પુત્ર સમાન છે. આ તેમના માટે એક વ્યક્તિગત નુકસાન છે. તેમણે પોતાનું આખું જીવન તેમના માટે સમર્પિત કરી દીધું છે. હવે, તેમણે મધુજીની સંભાળ રાખવાની છે, જે અલ્ઝાઈમરથી પીડિત છે. તેઓ લોકોને ઓળખતા નથી. તેમને આજે સવારે જ પતિના નિધન વિશે ખબર પડી.
“સારાભાઈ વર્સિસ સારાભાઈ” માં સતીશ શાહના સહ-કલાકારો, અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને રાજેશ કુમાર, તેમને અંતિમ વિદાય આપતા ભાવુક થઈ ગયા. સતીશ શાહે સારાભાઈ પરિવારના રમુજી અને પ્રેમાળ વડા, ઇન્દ્રવદન સારાભાઈની ભૂમિકા ભજવી હતી, જેમણે શોમાં પોતાના રમુજી સંવાદોથી બધાને ખુબ હસાવ્યા હતા.
“સારાભાઈ વર્સિસ સારાભાઈ” ટીમના અન્ય કલાકાર કસબીઓ, અભિનેતા સુમિત રાઘવન, અનંગ દેસાઈ, પરેશ ગણાત્રા, નિર્માતા જેડી મજેઠિયા, લેખક-દિગ્દર્શક આતિશ કાપડિયા અને અભિનેતા-દિગ્દર્શક દેવેન ભોજાણીએ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
આપણ વાચો: સ્ટાર-યાર-કલાકાર : ‘ચૌંકના મત’… આ છે ‘અસરાની સર’ની પાઠશાળાનો ગુરુમંત્ર!
અભિનેતાના નજીકના મિત્રો અને સાથીદારો, પંકજ કપૂર, સુપ્રિયા પાઠક, સ્વરૂપ સંપટ, સુરેશ ઓબેરોય અને પૂનમ ધિલ્લોન પણ હાજર હતા. ફિલ્મ જગતના અન્ય સભ્યો, નીલ નીતિન મુકેશ, દિલીપ જોશી, ફરાહ ખાન, જેકી શ્રોફ, અલી અસગર, ટીકુ તલસાણીયા, સુધીર પાંડે, શરત સક્સેના અને અવતાર ગિલે પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોમાં સારાભાઈ..ના કલાકારો સ્મશાનમાં સિરિયલનું ટાઇટલ ગીત ગાઈને તેમને શ્રદ્ધાંજલિ આપતા જોઈ શકાય છે. જેઈડીઆઈ મજેઠીયાએ લખ્યું કે અમે અમારી રીતે તેમને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હતા.
તેથી, લગભગ બધા જ સ્મશાનગૃહ છોડી ગયા પછી, અમે તેમના માટે તે (શોનું ટાઇટલ ટ્રેક) ગાયું. મને લાગે છે કે તેમને આ રીતે ગમ્યું હોત. તે એક એવા માણસ હતા જેની ઉજવણી થવી જોઈએ. મજેઠીયાએ ઉમેર્યું હતું કે સતીશ શાહને તેમના પત્નીની ખુબ ચિંતા હતી. તેમના ગયા પછી અમે તેમની સાથે સંપર્કમાં રહીશું એમ તેમણે જણાવ્યું હતું. સતીશ શાહના પત્ની અલ્ઝાઈમરની બીમારીના કારણે કોઈને પણ ઓળખી શકતા નથી.
એફટીઆઈઆઈના સ્નાતક સતીશ શાહ, પ્રથમ વખત “અરવિંદ દેસાઇ કી અજીબ દાસ્તાન”, “ગમન” અને “ઉમરાવ જાન” જેવી ફિલ્મોમાં નાની ભૂમિકામાં દેખાયા હતા. બાદમાં તેમણે “જાને ભી દો યારોં”, “માલામાલ”, “હીરો હીરાલાલ”, “યે જો હૈ ઝિંદગી”, “ફિલ્મી ચક્કર”, “હમ આપકે હૈ કૌન..!”, “સાથિયા”, “મેં હૂં ના”, આઇકોનિક “સારા ભાઈ વર્સીસ સારા ભાઈ” અને અન્ય ફિલ્મો અને ટીવી શોમાં પોતાના અભિનયથી આગવું સ્થાન જમાવ્યું હતું.
પીટીઆઈ



