
કોઈ ફિલ્મ જોયા પછી તેના વિશે લખવા અને કહેવામાં તકલીફ પડે તો સમજી લેવાનું કે બાત મે દમ નહીં. ફિલ્મને વખોડવા માટે પણ કંઈક તો જોઈએ, પણ બોલીવૂડ ઘણીવાર એટલી હદે નબળી ફિલ્મો લાવે છે કે જોનારા ખરેખર માથું કૂટતા થઈ જાય.
આવી જ એક ફિલ્મ કોઈ નહીં કે કરણ જૌહર લઈને આવ્યો છે સરઝમીન. નેપોકિડ્ટનો તારણહાર કહેવાતો કરણ સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહીમ અલી ખાનની બાબતમાં ખોટો પડ્યો છે. ઈબ્રાહિમે નાદાનિયાં ફિલ્મમાં જ પોતાની નબળી સ્કીલ્સનો પરિચય આપ્યો, તેમ છતાં આટલી મોટી ફિલ્મ તેને મળી ગઈ, પણ નબળી સ્ક્રિપ્ટ અને એક્ટિંગ જોતા તેની કરિયર કેટલી આગળ વધશે તે કહેવું મુશ્કેલ છે.

ફિલ્મની સ્ટોરી, ડિરેક્શન, એક્ટિંગ
ફિલ્મની સ્ટોરી જેટલી અમને સમજાય તે પ્રમાણે કહીએ તો કાશ્મીરની પાશ્વભૂમિ પર બનેલી ફિલ્માં આર્મી ઓફિસર હીરો પોતાની ફરજથી વધુ બીજા કોઈને મહત્વ આપતો નથી, પરંતુ એક સમયે તેનો દીકરો જ તેની સામે આવીને ઊભો રહે છે અને બન્ને વચ્ચેની જંગમાં પત્ની સેતુ બનવાની કોશિશ કરે છે. આમાં તમને સમજાય તેટલું સમજી લો. બાકી વધારે કહેશું તો વધારે મુંઝાશો.

હવે વાત કરીએ એક્ટિંગની તો માત્ર ઈબ્રાહિમ નહીં પૃથ્વીરાજ સુકુમારન અને કાજોલ પણ ખાસ કંઈ જાદુ ચલાવી શક્યા નથી. આર્મી ઓફિસરની પત્ની તરીકે કાજોલનું કેરેક્ટર ઘણું ફની લખાયું છે, અને અભિનેત્રી પણ ખાસ કંઈ ઉપજાવી શકી નથી. જો આવી એક્ટિંગ કરશે તો હિન્દી બેલ્ટમાં સુકુમારન લાંબુ ટકી શકશે નહીં. ઈબ્રાહિમે ઘણું હૉમવર્ક કરવાની જરૂર છે. અન્ય કલાકારો પણ નબળી સ્ક્રિપ્ટ અને પાત્રાલેખનને લીધે ખાસ કોઈ પ્રભાવ પાડી શક્યા નથી.

કાયોઝ ઈરાનીનું ડિરેક્શન પણ ડિરેક્શનલેસ લાગે છે. એક્શન સિન્સમાં મહેનત કરી નથી. ફિલ્મનો એક્શન અને ઈમોશનલ પાર્ટ નબળો છે. સ્ક્રિપ્ટ બરાબર ન હોવાથી ડિરેક્શન પણ હાલકડોલક છે.વધારે રસૌયા રસોઈ બગાડેના ન્યાયે આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ટોરી 6 જણાએ લખી છે, પરંતુ ઘણી એવી બાબતો છે જે આ પ્રકારની ફિલ્મોમાં ધ્યાનમા લેવી જોઈએ તે લેવાઈ નથી. એકંદરે આ ઓટીટી ફિલ્મ નબળી પુરવાર થઈ છે.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 1.5/5