સારાએ મનાવ્યો આગવી રીતે બર્થડે, સાદગીને કારણે છવાઈ ગઈ…
મુંબઈ: રાજા મહારાજાઓના ખાનદાનની સંતાન હોવા છતાં પોતાની સિમ્પ્લિસિટી માટે જાણીતી અને વારંવાર ટ્રોલ હોવા છતાં મંદિર, ગુરુદ્વારા જેવા ધર્મસ્થળોની મુલાકાત લઇને ચાહકોનું દિલ જીતનારી સારા અલી ખાને આજે એટલે કે બારમી ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો.
જોકે, કોઇપણ અમીર ઘરના નબીરા કે પછી સ્ટાર કે સેલિબ્રિટી પોતાના જન્મદિવસની ઉજવણી કરે તેનાથી તદ્દન વિપરિત રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને પોતાના આ અંદાજના કારણે સારા અલી ખાનની તેના ચાહકો ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે.
એક બાજુ સેલિબ્રિટીઓ પોતાના જન્મદિવસે મોંઘીદાટ ક્રૂઝ શીપમાં કે પછી ફાઇવ સ્ટાર હોટેલ કે પ્રાઇવેટ વિલામાં કરોડો રૂપિયાનો ધૂમાડો કરીને લેટેસ્ટ ડિઝાઇનર કપડાંઓ અને ઘરેણાં પહેરી પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે. ત્યારે બાજી બાજુ સારાએ પેપેરાઝી એટલે કે બોલીવુડ બીટ સંભાળતા ફોટો જર્નલિસ્ટ સાથે અત્યંત સાદાઇથી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
સફેદ રંગનો એથનિક સૂટ, માથા પર ભારતીય નારીના અસ્તિત્વ સમાન બિંદી એટલે કે નાનકડો ચાંદલો અને એક નાનકડી કેક સાથે પેપેરાઝી સાથે સારા પેપેરાઝીને મુંબઈમાં મળી હતી. તેમની સાથે જ સારાએ ચોકલેટ કેક કાપી હતી અને બર્થ-ડે મનાવ્યો હતો. કેક કટીંગ બાદ સારાએ બધાને મીઠાઇઓ પણ વેંચી હતી. સારાના આ સાદા અંદાજથી ત્યાં હાજર પેપેરાઝી ઉપરાંત આ ઉજવણીના ફોટો-વીડિયો જોનારા સારાના ફેન્સ પણ ખુશ થઇ ગયા હતા.
અત્યંત સાદા કપડાં પહેર્યા હોવા છતાં સારા એકદમ ગ્રેસફુલ લાગતી હતી અને તેના આ દેસી લુકને સોશિયલ મીડિયાના કોમેન્ટ સેક્શનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
બોલીવુડના ઘણા સ્ટાર્સ ઉપરાંત સૈફ અને કરીનાએ પણ સારાને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા હતા. કરીનાએ સારાને બર્થ-ડે વિશ કરતા લખ્યું હતું કે ‘હું તને બેસ્ટ વિશીસની સાથે ભોપળાનું શાક પણ મોકલાવી રહી છું.’ કદાચ સારાને ભોપળાનું શાક ખૂબ ભાવતું હશે અથવા તો જરાય નહીં ભાવતું હોય એટલે તેની મશ્કરી કરવા માટે કરીનાએ આમ લખ્યું હોવાનું મનાય છે.
જોકે હવે સારાના ફેન્સ તેની આગામી ફિલ્મોનો ઇન્તેજાર કરી રહ્યા છે. સારા હાલ કરણ જોહરના બેનર હેઠળ આયુષ્માન ખુરાના સાથે એક ફિલ્મ કરી રહી છે જેનું દિગ્દર્શન આકાશ કૌશિક કરશે. આ ઉપરાંત અનુરાગ બસુની ‘મેટ્રો-ઇન દીનો’ ફિલ્મમાં પણ સારા જોવા મળશે. આ ફિલ્મમાં સારા ઉપરાંત અનુપમ ખેર, કોંકણા સેન શર્મા, અલી ફઝલ, પંકજ ત્રિપાઠી ફાતિમા સના શેખ અને નીના ગુપ્તા પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ‘લાઇફ ઇન મેટ્રો’નો જ બીજો ભાગ હોવાની વાત પણ થઇ રહી છે. લાઇફ ઇન મેટ્રોનું દિગ્દર્શન પણ અનુરાગ બસુએ જ કર્યું હતું. ક્રિટીક્સ એટલે કે આલોચકો ઉપરાંત દર્શકોને પણ આ ફિલ્મ ખૂબ પસંદ પડી હતી.