તો શું સારાની જેઠાણી બનશે જ્હાન્વી કપૂર!
અહીં તમને જો એમ લાગતું હોય કે અમે કોઇ ફિલ્મના રોલની ચર્ચા કરી રહ્યા છીએ તો તો તમે ભૂલ કરી રહ્યા છો અમે રીલ લાઇફની નહીં રીઅલ લાઇફની વાત કરી રહ્યા છીએ, જેમાં બોલિવૂડની બે યંગ હિરોઇન સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર એકબીજાની દેરાણી-જેઠાણી બનવા જઇ રહી છે. ચાલો તો તમને માંડીને વાત કરીએ.
બોલિવૂડમાં ફરી એકવાર જૂની લવસ્ટોરીની ચર્ચાઓ શરૂ થઈ છે. તમામ ફરિયાદો ભૂલીને, પૂર્વ યુગલ ફરીથી નજીક આવી રહ્યા હોવાના અહેવાલો આવ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ સારા અલી ખાન અને વીર પહાડિયાની.
એમ જણાવવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન અને વીર પહાડિયાનું પેચઅપ થઈ ગયું છે. હા, હાલમાં જ સારા અને વીર પહાડિયાની એક તસવીર સામે આવી છે જેમાં બંને મિત્રો સાથે મોજમસ્તી કરતા જોવા મળે છે. આ તસવીર સારાની લંડન વેકેશનની છે.
તસવીરમાં સારા અલી ખાન તેના મિત્રો સાથે પિઝાની મજા લેતી જોવા મળે છે અને વીર પહાડિયા લીલી કેપ પહેરીને જમીન પર પડીને પોઝ આપતો જોવા મળે છે. સારા અલી ખાન અને તેના એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયાની એક ફ્રેમમાં હાજરી ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. આ બંને પ્રેમીપંખીડાને ફરીથી એક સાથે જોઇને તેમના ફેન્સ પણ ઘણા ખુશ છે
જોકે, આ પહેલીવાર નથી જ્યારે સારા અને વીર સાથે જોવા મળ્યા હોય. અગાઉ, જ્યારે જ્હાનવી કપૂરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, ત્યારે પણ સારા અલી ખાન અને વીર પહાડિયા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
વીર પહાડિયા પ્રખ્યાત બિઝનેસમેન સંજય પહાડિયાના પુત્ર છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદે વીરના નાના છે. વીર પહાડિયા જ્હાન્વી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનો ભાઈ છે. જો સારા અને વીર પહાડિયાના ડેટિંગના સમાચાર સાચા હોય તો જ્હાન્વી અને પટૌડી પરિવારની દીકરી સારા અલી ખાનનું સાસરું એક જ હશે. રિલેશનશિપમાં જ્હાન્વી સારાની જેઠાણી બનશે.