કોને યાદ કરીને ઈમોશનલ થયો સંજુબાબા?
બી-ટાઉનના મુન્નાભાઈ સંજય દત્તે ઉર્ફે આપણા લાડકા સંજુબાબાએ પોતાની પ્રોફેશનલ કરિયરમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન જોયા છે. હાલમાં જ સંજુબાબા સિંગિગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડોલ-14ના સેટ પર પહોંચ્યો હતો જ્યાં તેણે પોતાની પર્સનલ લાઈફ અને માતા વિશે વાત કરી હતી. માતા વિશે વાત કરતાં કરતાં સંજુબાબા એકદમ ઈમોશનલ થઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા શોના પ્રોમોમાં જોવા મળે છે કે સંજુબાબા માતા સાથેનો પોતાનો એક કિસ્સો શેર કરે છે અને તેની આંખો ભીની થઈ જાય છે અને સેટ પર હાજર તમામ લોકો પણ એની વાત સાંભળીને એકદમ ભાવુક થઈ જાય છે. યુઝર્સ પણ સંજુબાબાનું આ વર્ઝન જોઈને તેના પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.
પ્રોમોમાં જોવા મળે છે કે કે શોની જજ શ્રેયા ઘોષાલ સંજુબાબાને તેની માતા વિશે સવાલ પૂછે છે અને એના જવાબમાં સંજુબાબા કહે છે કે કાશ તેણે તેની માતાની વાત સાંભળી હોત તો આજે સ્ટોરી કંઈક અલગ જ હોત.
શ્રેયા ઘોષાલ સંજુબાબાને સવાલ પૂછે છે કે, અમને ખબર છે કે તમે તમારા પિતાની ખૂબ જ નજીક છો શું તમે તમારા પિતા વિશે કંઈક કહેવા માંગો છો? જેના જવાબમાં સંજુબાબા પોતાના માતા-પિતાને યાદ કરીને કહે છે કે, ‘હું બધાને કહેવા માંગુ છું કે આપણા માતા-પિતા આપણી સાથે હોય છે ત્યારે આપણે એમના પ્રત્યે બેદરકારીભર્યુ વર્તન દેખાડીએ છીએ અને આપણે માનીએ છીએ કે તેઓ હંમેશા આપણી સાથે રહેશે. પણ હકીકતમાં એવું નથી થતું.
સંજય દત્તે તેની માતા વિશેનો એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે ‘મારી માતાએ મને તે સમયે જે કહ્યું હતું એ વાત આજે હું સારી રીતેથી સમજી ગયો છું. મારી માતા હંમેશા મને થોડો સમય તેની સાથે બેસીને તેની સાથે વાત કરવાનું કહેતી હતી અને તે હંમેશા કહેતી હતી કે તે ક્યારે જશે એની મને ખબર નથી, પરંતુ એ સમયે મેં એની વાત ક્યારેય સાંભળી નહીં. આજે મને એ વસ્તુની કિંમત સમજાય છે. કદાચ મેં એની વાત સાંભળી લીધી હોત તો મને આજે જેટલો અફસોસ થઈ રહ્યો છે એટલો ના થયો હોત.
સંજુબાબાની માતા નરગીસ દત્તની વાત કરીએ તો, તેમણે 1935માં ‘તલાશ-એ-હક’થી બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી હતી. પોતાના સમયમાં નરગીસની ગણતરી ટોપની અભિનેત્રી તરીકે કરવામાં આવતી હતી અને સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રોકી’ની રિલીઝના ચાર દિવસ પહેલા જ નરગિસે આ દુનિયાને અલવિદા કહ્યું હતું.