સંજય દત્તે ખરીદી આલિશાન મર્સિડીઝ, જુઓ 4 કરોડની લકઝરી કારની વિશેષતા શું છે?

મુંબઈ: ફિલ્મી હસ્તીઓ પાસે લકઝરી કારનું કલેક્શન કરવાનો શોખ ધરાવતી હોય છે. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્તે તાજેતરમાં એક નવી લક્ઝરી Mercedes-Maybach GLS600 SUV ખરીદી છે. આ કાર ડ્યુઅલ-ટોન કલર સ્કીમમાં છે. આ લક્ઝરી મોડેલ મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાની લાઇનઅપમાં ટોચ પર ગણાય છે. વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઇડી પર સંજય દત્તે ખરીદેલી નવી કાર વિશે માહિતી આપી છે. જોકે, આ કાર અગાઉ પણ અજય દેવગન, રણવીર સિંહ, અર્જુન કપૂર અને શિલ્પા શેટ્ટી જેવા ઘણા બોલિવૂડ કલાકારોએ ખરીદી છે. આ કારની ખાસિયત શું છે? આવો જાણીએ.
“સેલિબ્રિટી કાર”નું મળ્યું છે ઉપનામ
Mercedes-Maybach GLS600ની ડિઝાઇન એકદમ શાહી અને શક્તિશાળી છે. તેમાં એક મોટી ક્રોમ ગ્રિલ છે, જેના પર મર્સિડીઝનો લોગો ચમકે છે. આ SUV ખાસ Maybach એલોય વ્હીલ્સ પર ચાલે છે. D-પિલર પર આકર્ષક Maybach લોગો જોવા મળે છે. તેમાં ઓટો-સ્લાઇડિંગ ફૂટસ્ટેપ પણ છે, જે કારમાં ચઢવા અને બહાર નીકળવાનું સરળ બનાવે છે. તેનો દેખાવ તેને અન્ય વાહનોથી અલગ બનાવે છે, આથી જ તેને “સેલિબ્રિટી કાર”નું ઉપનામ મળ્યું છે.
મુસાફરીને આરામદાયક બનાવે તેવી સુવિધાઓ
Mercedes-Maybach GLS600 ફક્ત બહારથી જ નહીં, પણ અંદરથી પણ વૈભવી છે. તેમાં મસાજ ફંક્શનવાળી સીટો છે, જે મુસાફરીને આરામદાયક બનાવે છે. કારમાં મલ્ટી-સનરૂફ અને રીઅર સનબ્લાઇન્ડ છે, જે કેબિનને વધુ પ્રીમિયમ બનાવે છે. તેનું એડેપ્ટિવ એર સસ્પેન્શન તમામ પ્રકારના રસ્તાઓ પર સરળ અને આરામદાયક સવારીનો અનુભવ આપે છે. 27-સ્પીકર હાઇ-ફિડેલિટી સાઉન્ડ સિસ્ટમ ઉત્તમ સંગીત ગુણવત્તા પૂરી પાડે છે. કારમાં 64 રંગીન એમ્બિયન્ટ લાઇટિંગનો વિકલ્પ છે.
તેમાં 12.3-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે, જે તેને ટેક-ફ્રેન્ડલી બનાવે છે. કેપ્ટન સીટોમાં વેન્ટિલેશન, હીટિંગ, મસાજ અને રિક્લાઇનિંગ ફંક્શનનો સમાવેશ થાય છે. પાછળના મુસાફરો માટે રેફ્રિજરેટર અને શેમ્પેન ગ્લાસ સાથેનું આર્મરેસ્ટ પણ આપવામાં આવ્યું છે.
4 કરોડથી વધુની કિંમતની લક્ઝરી કાર
Mercedes-Maybach GLS600 4.0-લિટર V8 પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 560 bhp પાવર અને 730 Nm ટોર્ક જનરેટ કરે છે. તે 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આટલી શક્તિશાળી SUV હોવા છતાં, તેનો ડ્રાઇવિંગ અનુભવ ખૂબ જ સરળ છે, જે તેને લક્ઝરી અને પર્ફોર્મન્સનું શ્રેષ્ઠ સંયોજન બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, Mercedes-Maybach GLS600ની કિંમત શહેર અને સ્થાન અનુસાર બદલાય છે. નોઇડામાં તેની ઓન-રોડ કિંમત લગભગ 3.91 કરોડ રૂપિયા છે, જ્યારે મુંબઈમાં તે 4 કરોડ રૂપિયાથી વધુ પહોંચી શકે છે. આ લક્ઝરી SUV એક ખાસ નાઇટ સિરીઝ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે, જે તેને વધુ વિશિષ્ટ બનાવે છે.