મનોરંજન

Birthday celebrity Sanjay Duttએ આપી ચાહકોને ભેટ, નવી ફિલ્મનો ફર્સ્ટ લૂક લૉંચ કર્યો

આજે બોલીવૂડ સ્ટાર સંજય દત્તનો જન્મદિવસ છે. 65 વર્ષ પૂરાં કરી 66મા વર્ષમાં પ્રવેશ કરનાર સંજય દત્તનું જીવન જ એક ફિલ્મ જેવું છે અને તેના પરથી સંજુ ફિલ્મ પણ બની છે. ટાડામાં જેલવાસ ભોગવ્યા બાદ ફિલ્મોમાં ફરી ચમકેલા સંજય થોડો સમયથી સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. તેની આવનારી સાઉથની ફિલ્મનો લૂક તેણે રીલિઝ કરી પોતાના ફેન્સને બર્થ ડે ગિફ્ટ આપી છે.

સંજય દત્ત સાઉથની ફિલ્મ કેડી-ધ ડેવિલમાં જોવા મળવાનો છે. આમાં તેની સાથે અભિનેતા ધ્રુવ સરજા હશે. તેનું નિર્દેશન પ્રેમ દ્વારા કરવામાં આવ્યું છે. તેની આગામી ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જે ખૂબ જ અદભૂત છે. સોશિયલ મીડિયા પર રિલીઝ થયેલા પોસ્ટરમાં સંજય દત્ત વિન્ટેજ કારની સામે ઊભેલો જોઈ શકાય છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ સંજય દત્તની રાજકારણમાં એન્ટ્રી થશે, ‘બાબા’એ આપ્યો આ જવાબ

તેના લૂક પર નજર કરીએ તો તેમાં તેના માથા પર પોલીસ કેપ, હાથમાં લાલ લાકડી, ગળામાં પોલીસ બેલ્ટ, ચિત્તા પ્રિન્ટ શર્ટ, તેના ઉપર ડેનિમ જેકેટ, નીચે કાળી લુંગી, પગમાં બૂટ, મોટા વાળ અને દાઢીનો સમાવેશ થાય છે. તેની આંખો પર ચશ્મા અને કપાળ પર તિલક લગાવેલા જોવા મળે છે. તેના લુક પરથી એક વાત સ્પષ્ટ છે કે તે પોલીસના રોલમાં છે. સાથે જ તેનો ગેટઅપ તેને તેની જાણીતી ફિલ્મ ખલનાયકમાં તેના પાત્રની યાદ અપાવે છે.

એક્શન-થ્રિલર ફિલ્મ KD-ધ ડેવિલની વાર્તા 1970ના દાયકાની બેંગ્લોરની સાચી ઘટનાઓ પર આધારિત પીરિયડ એક્શન એન્ટરટેનર ફિલ્મ છે. તે KVN પ્રોડક્શન્સ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે અને પ્રેમ દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહ્યું છે. આ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે અને હિન્દીની સાથે તમિલ, કન્નડ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button