Happy Birthday: દેશનું નામ રોશન કર્યું ને વિવાદોનો સામનો પણ કર્યો
ભારતની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ વિજેતા મહિલા ખેલાડી સાનિયા મિર્ઝા આજે તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. સાનિયા ભારતની સર્વશ્રેષ્ઠ ટેનિસ ખેલાડી છે, જેણે ભારત માટે ઘણા મેડલ અને ટ્રોફી જીતી છે. જોકે, તેમનું જીવન પણ વિવાદોથી ભરેલું રહ્યું છે, જેના માટે તેમને અનેક પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. સાનિયા મિર્ઝાનો જન્મ 15 નવેમ્બર 1986ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે પોતાનું બાળપણ હૈદરાબાદમાં વિતાવ્યું અને ત્યાંથી ટેનિસમાં તેની કારકિર્દીની શરૂઆત કરી. સાનિયા માટે તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે તેની માતાનો જન્મદિવસ પણ આ દિવસે આવે છે. આ કારણથી તે તેમના માટે બેવડી ખુશીનો દિવસ બની ગયો છે.
સાનિયા મિર્ઝાએ 14 વર્ષની નાની ઉંમરે ટેનિસ કરિયરની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 1999માં તેની શરૂઆત કરી હતી અને તેના બીજા જ વર્ષે તેણે પાકિસ્તાનમાં રમાયેલી ઈન્ટેલ જુનિયર ચેમ્પિયનશિપ G-5 મેચમાં સિંગલ્સ અને ડબલ્સ મેચ જીતી હતી. વર્ષ 2003 સાનિયાની સફરમાં સૌથી રોમાંચક વળાંક લઈને આવ્યું, જેમાં સાનિયાએ વિમ્બલ્ડનમાં ડબલ્સ જીતી. 2003માં સાનિયા મિર્ઝા રશિયન ખેલાડી એલિસા કેલબાનોવા સાથે ફાઇનલમાં પહોંચી હતી. રીટા ડાબર 1952માં સિંગલ્સ ઈવેન્ટમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ તે આવું કરનાર પ્રથમ ભારતીય બની હતી.
રીટા ડાબર માત્ર રનર અપ રહી હતી, પરંતુ સાનિયા મિર્ઝા જીતી હતી. સાનિયા મિર્ઝાએ ઑસ્ટ્રેલિયન ઓપન 2009ની મિક્સ્ડ ડબલ્સમાં બીજી મોટી સફળતા હાંસલ કરી, જ્યાં તેણી ભારતીય દિગ્ગજ મહેશ ભૂપતિ સાથે જોડી બનાવીને કોર્ટ પર આવી. આ જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો. ભૂતપૂર્વ ડબલ્સ વિશ્વની નંબર 1 ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ તેની કારકિર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. સાનિયા મિર્ઝાએ પોતાના જીવનમાં અનેક પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. મેચ દરમિયાન તેણે ટૂંકા કપડા પહેર્યા ત્યારે ઘણા વિવાદો થયા હતા. મુસ્લિમ સંગઠને તેની વિરુદ્ધ ફતવો પણ બહાર પાડ્યો હતો.
એટલું જ નહીં તેના પર તિરંગાનું અપમાન કરવાનો આરોપ પણ લાગ્યો હતો, જેના માટે તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પરંતુ આ વિવાદોની તેના જીવન પર કોઈ અસર થઈ ન હતી અને તેણીએ તેની રમતમાં પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું હતું. પાકિસ્તાની ખેલાડી શોએબ મલિક સાથેના તેના લગ્ન પણ એક સમયે ચર્ચાનો વિષય બન્યા હતા. એકાદ વર્ષ પહેલા બન્નેના છૂટા પડવાના સમાચારોએ પણ જોર પકડ્યું હતું. જોકે આ ટીકાઓ વચ્ચે તે સોશિયલ મીડિયા કે ટીવી ચેનલોમાં ઝળકતી રહે છે. તેણે નિવૃત્તિની જાહેરાત પણ કરી દીધી છે. સાનિયાને જન્મદિવસની શુભકામના…