‘પ્રેમ રતન ધન પાયો’ બાદ ફરીવાર બરજાત્યાની ફિલ્મમાં દેખાશે સલમાન

બોલીવુડમાં ઘણી ડાયરેક્ટર-એક્ટરની જોડીએ સફળ ફિલ્મો આપેલી છે. સલમાન ખાન અને સૂરજ બરજાત્યાની જોડી પણ તેમાંની એક છે. બંનેએ છેલ્લે 2015માં ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મ આપી હતી જે ઠીકઠીક સફળ રહી હતી. આ ફિલ્મના 8 વર્ષ બાદ હવે બંને ફરી એકસાથે એક નવી બ્લોકબસ્ટર ફિલ્મનું આયોજન કરી રહ્યા છે.
‘મેંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ સહિત બરજાત્યાની ઘણી ફિલ્મોમાં સલમાનના પાત્રોએ દર્શકોનો પ્રેમ મેળવ્યો છે. સામાન્ય રીતે સલમાન એક માચોમેન ઇમેજ ધરાવે છે, તેની ફિલ્મો પણ મોટેભાગે એક્શન ફિલ્મો જ હોય છે, પરંતુ બરજાત્યાની ફિલ્મમાં તે અલગ જ પ્રકારની ભૂમિકામાં જોવા મળતો હોય છે. એકદમ પ્રેમાળ, પોઝિટિવ, હિંસાથી દૂર રહેનારો, શાંત પ્રકારનો વ્યક્તિ તરીકે બરજાત્યા સલમાનને ફિલ્માવતા હોય છે.
બોલીવુડના સૂત્રો અનુસાર સલમાન ખાન (Salman Khan) અને સૂરજ બરજાત્યા (Sooraj Barjatya) એક પ્રોજેક્ટ માટે સાથે કામ કરશે, પરંતુ તે પહેલા તેઓ પોતપોતાના કમિટમેન્ટ્સ પૂરા કરી લીધા બાદ જ આ યોજના પર આગળ વધશે. બંને હાલ પોતપોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. સૂરજ બરજાત્યા સંજય લીલા ભણસાલીની જેમ OTT ડેબ્યુ કરી રહ્યા છે, તેઓ એક ફેમિલી ડ્રામા બનાવી રહ્યા છે, જેનું નામ હશે ‘બડા નામ કરેંગે’. આ એક વેબ સિરીઝ હશે જે આ વર્ષે દિવાળી પર રજૂ થાય તેવી શક્યતા છે. એ પછી તેઓ સલમાન સાથેની ફિલ્મ પર આગળ વધશે. સલમાન પણ તેના પ્રોજેક્ટ્સને પગલે આગામી 26 મહિના સુધી વ્યસ્ત છે.