
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે અને તેણે પોતાના આટલા લાંબા ફિલ્મી કરિયરમાં અનેક સફળ ફિલ્મો આપી છે. સલમાનની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. દેશ દુનિયામાંથી લોકો સલમાનની એક ઝલક જોવા માટે તેના ઘરની બહાર રાહ જોતા હોય છે. આ બધા વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સુપરસ્ટારને મારવાની ધમકી મળી રહી છે અને તેના ઘર પર ગોળીબાર પણ થયો હતો. દરમિયાન થોડાક સમયે પહેલાં સલમાન ખાને પોતાની બાલ્કનીને બુલેટપ્રૂફ કાચથી કવર કરી હતી. સલમાને આ પગલું સુરક્ષાના કારણોસર લીધું હોવાનું કહેવાઈ રહ્યું હતું, પરંતુ હવે ખુદ સલમાન ખાને ખુલાસો કર્યો છે કે તેણે આ પગલું કેમ લીધું…
સલમાન ખાન ઈદ પર કે પ્રસંગોપાત મુંબઈના બાંદ્રા ખાતે આવેલા તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવીને ફેન્સને મળે છે. આ વખતે પણ ઈદ પર સલમાન બુલેટપ્રૂફ કાચની પાછળથી ફેન્સને મળ્યો હતો. આ મુલાકાત સલમાનના ફેન્સ માટે જ નહીં પણ તેના ખુદ સલમાન માટે નવી અને અલગ હતી. પરંતુ હવે સલમાને ખુદ પોતે આ પગલું કેમ લીધું છે એનો ખુલાસો કર્યો હતો.
સલમાન ખાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટની બાલ્કનીને બુલેટપ્રૂફ ગ્લાસથી કવર કરવાનું ખરું કારણ અલગ છે. અનેક વખત એવું બન્યું છે કે ફેન્સ નીચેથી ચઢીને બાલ્કનીમાં આવીને સૂઈ જતા હતા. જેને કારણે અમારે એ જગ્યા કવર કરવી પડી. બીજા શબ્દોમાં કહીએ તો સુરક્ષાના કારણે જ આવું કરવું પડ્યું હતું પણ એ મારી સુરક્ષા કરતાં પણ મારા ફેન્સની સુરક્ષા માટે લીધેલું પગલું હતું.
વાત કરીએ સલમાન ખાનના વર્ક ફ્રન્ટની તો સલમાન હાલમાં પોતાની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનની શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાને હાલમાં પોતાની એક ઈન્ટરવ્યુમાં આ ફિલ્મ વિશે ખુલીની વાત કરી હતી. 59 વર્ષીય સુપર સ્ટારે જણાવ્યું કે આ ફિલ્મના એક્શન સીન માટે તે સખત ફિઝિકલ ટ્રેનિંગ લઈ રહ્યો છે.
અપૂર્વા લાખિયા નિર્દેશિત ફિલ્મ બેટલ ઓફ ગલવાન 2020માં ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલી ચકમક પર આધારિત છે. સલમાન ખાન ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ ભારતીય સૈનિકોની બહાદુરી પર આધારિત છે.