સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગઃ શૂટર્સને એ ભૂલ ભારે પડી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પરિવારની કરી મુલાકાત

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કિસ્સામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવ્યા પછી તેનું કનેકશન બિહારનું હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા ગુજરાતના ભુજમાંથી આરોપીની ધરપકડ કરી છે. બંનેએ પોતાના નામ સાગર પાલ અને વિક્કી ગુપ્તા આપ્યા છે, જે મૂળ બિહારના ચંપારણના રહેવાસી છે.
ફાયરિંગના બનાવ મુદ્દે મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ ટીમ ચંપારણમાં પણ તપાસ કરવા માટે પહોંચી છે. મુંબઈ પોલીસને આરોપીઓનું પગેરું કઈ રીતે મળ્યું એના અંગે પોલીસે કહ્યું હતું કે ફાયરિંગના બનાવ પછી આરોપીઓના મોબાઈલ ફોન ચાલુ હતું, જેથી તપાસ કરવામાં મુંબઈ પોલીસને સૌથી મોટો ફાયદો થયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચના ખબરીઓ અને ટ્રેકિંગ સીસીટીવી કેમેરા મારફત તપાસ હાથ ધરી હતી, જેમાં બંને આરોપીના ફોન ટ્રેક થયા હતા, જેમાં બંનેનું લોકેશન કચ્છ-ભુજ ટ્રેક થયું હતું. એક ટીમને રાજકોટ મોકલ્યા પછી કચ્છ 350 કિલોમીટર પહોંચી હતી. ફોનના લોકેશનના આધારે નખત્રાણા પહોંચી હતી, જ્યારે સ્થાનિક પોલીસને સાથે રાખી હતી. આખરે રાતના આશાપુરાના માતાના મઢ મંદિરમાંથી પકડ્યા હતા. ભુજથી એર ઈન્ડિયાની ફ્લાઈટથી મુંબઈ લાવ્યા હતા.
13મી એપ્રિલના રાત બાંદ્રામાં એક અજ્ઞાત વ્યક્તિએ તેમને હથિયાર આપ્યા હતા. પનવેલમાં રહ્યા પછી સલમાનના ઘરની બહાર બાઈક-ઓટો રિક્ષાથી રેકી કરી હતી, ત્યારબાદ 14મી એપ્રિલના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું અને હથિયાર નદીમાં ફેંક્યા હતા. સલમાન ખાન અને પરિવારને મુંબઈ પોલીસે ધરપકડ કરેલા બંને આરોપી અંગે જાણકારી આપવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટના પછી સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.

દરમિયાન સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના બનાવ પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. એકનાથ શિંદેની સાથે યુવા સેનાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત પછી શિંદેએ કહ્યું હતું કે આરોપીની અટક કર્યા પછી આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તેની પણ તપાસ ચાલુ છે. એકનાથ શિંદેએ કહ્યું હતું કે મુંબઈમાં પૂરી રીતે અંડરવર્લ્ડ ખતમ થઈ ગયું છે. અહીંયા કોઈની દાદાગીરી ચાલશે નહીં. સલમાન ખાનને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે અને તેના પરિવારને સિક્યોરિટી આપી છે, જે લોકોએ પણ આ કર્યું છે એ ગેંગને ખતમ કરવામાં આવશે.

આ અગાઉ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેએ પણ સલમાન ખાનના પરિવારની મુલાકાત લીધી હતી. આ ઘટના પછી ઉદ્ધવ ઠાકરે જૂથે સરકારની ટીકા કરતા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે ગંભીર સવાલ કર્યા હતા.