Salman Khanના નામે ફેક કોલ્સ બાદ હવે ફિલ્મની ઓફર, પ્રોડક્શન હાઉસે કર્યા લોકોને Alert

હેડિંગ વાંચીને ચોંકવાની જરૂર નથી. ફ્રોડસ્ટરના આજના સમયમાં ધ સલમાન ખાનના નામને પણ ચીટર્સ લોકોએ યુઝ કરવામાં બાકી રાખ્યું નથી. હાલમાં જ સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ Salman Khan Films (SKF) દ્વારા એક સ્ટેટમેન્ટ બહાર પાડીને એક્ટર્સ અને એક્ટ્રેસને આવી રહેલાં ફેક કોલ્સને લઈને ચેતવણી જાહેર કરી છે.
પ્રોડક્શન હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ ફિલ્મ માટે હાલમાં કાસ્ટિંગ નથી કરી રહ્યા, કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે. આ સાથે સાથે જ આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી છે.
સલમાન ખાન પ્રોડક્શન હાઉસના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પોસ્ટ વાંચીને એ વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે હાલમાં તો પ્રોડક્શન હાઉસ કોઈ પણ ફિલ્મ માટે કાસ્ટિંગ નથી કરી રહ્યું. જોકે, પ્રોડક્શન હાઉસના ધ્યાનમાં કેટલાક એવા કિસ્સાઓ આવ્યા છે કે જેમાં SKFના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ માટે કાસ્ટિંગની વાત કરવામાં આવી છે. આ કાસ્ટિંગમાં ખુદ દબંગ સલમાન ખાનના નામનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.
પરિણામે સલમાન ખાનનું નામ ન ખરાબ થાય એ માટે પ્રોડક્શન હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આવી સ્પષ્ટતા કરવામાં આવી છે અને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પ્રોડક્શન હાઉસ દ્વારા સલમાન ખાન અને તેમના પ્રોડક્શન હાઉસના નામનો ખોટી રીતે ઉપયોગ કરનારાઓને બક્ષવામાં નહીં આવે અને એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે સલમાન ખાનની ટીમ દ્વારા આ પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી હોય. ગયા વર્ષે પણ આ રીતે જ સલમાન ખાનના નામે ફેક કોલ્સ કરવામાં આવ્યા હતા અને એ સમયે પણ એવા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના બેનર હેઠળ અનેક હિટ ફિલ્મો બનાવવામાં આવી છે, જેમાં બજરંગી ભાઈજાન, દબંગ ફ્રેન્ચાઈઝી, હીરો, ટ્યૂબલાઈટ, નોટબૂક, લવયાત્રી, ભારત, કાગઝ, રાધે, અંતિમ અને કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મનો સમાવેશ થાય છે.
Official Notice! pic.twitter.com/AwojQN73O4
— Salman Khan Films (@SKFilmsOfficial) January 30, 2024