વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમનાં સ્ટાર્સ ખેલાડી પહોંચ્યા ‘બિગ બોસ 19’ના સેટ પર, સલમાન સાથે કરી મુલાકાત…

મુંબઈ: ICC મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમનો ભવ્ય ઐતિહાસિક વિજય થયો છે. જેની દેશવાસીઓએ જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. આ ઐતિહાસિક વિજયની ઉજવણીના ભાગરૂપે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર્સ ઝુલન ગોસ્વામી અને અંજુમ ચોપરાને લોકપ્રિય ટીવી શો “બિગ બોસ 19″ના સેટ પર આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંને દિગ્ગજ ખેલાડીઓએ આજે ‘વીકેન્ડ કા વાર’ના સેટ પર બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે મુલાકાત કરી હતી.
ઝુલન ગોસ્વામીએ શેર કર્યા ફોટોગ્રાફ્સ
ઝુલન ગોસ્વામીએ ‘બિગ બોસ 19’ના સેટ પરથી સલમાન અને અંજુમ સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. ઝુલન ગોસ્વામીએ કેપ્શનમાં લખ્યું હતું કે, “આ મહિનો અત્યારસુધી ઘણી અવિસ્મરણીય રાતોથી ભરેલો રહ્યો છે. આ રાત પણ આવી રાતો પૈકીની એક હતી. ‘બિગ બોસ 19’ના વીકેન્ડ કા વોરમાં સલમાન ખાન અને અંજુમ ચોપરા સાથે સ્ટેશ શેર કરીને બહુ સારો સમય પસાર કર્યા.”
ભારતનું ICC મહિલા વર્લ્ડ કપ જીતવાનું લાંબા સમયથી ચાલતું સ્વપ્ન આખરે પૂર્ણ થયું છે. 2005 અને 2017ની ફાઇનલમાં નિરાશાજનક હાર બાદ, ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને અદ્ભુત પ્રદર્શન કર્યું છે. આ વિજયમાં શેફાલી શર્મા (87 રન અને 2/36 વિકેટ) અને દીપ્તિ શર્મા (58 રન અને 5/39 વિકેટ)નું ઓલરાઉન્ડ પ્રદર્શન લાખો લોકોની યાદોમાં કાયમ અંકિત રહેશે.
વર્લ્ડ કપ જીતવાનું સપનું થયું સાકાર
ઝુલન અને અંજુમ બ્રોડકાસ્ટર તરીકે મેદાન પર હાજર હતા અને તેમણે ટીમના વિજયની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, કેપ્ટન હરમનપ્રીત કૌરને ભેટી પડતી વખતે ભાવુક થયેલી ઝુલન ગોસ્વામીની આંખોમાં આંસુ આવી ગયા હતા.
ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા ઝુલન ગોસ્વામીએ લખ્યું, “પ્રતીક્ષા લાંબી હતી, પરંતુ આનંદ… અજોડ હતો.” અંજુમ ચોપરાએ પોસ્ટ કર્યું, “છોકરીઓએ અમારા સપના સાકાર કર્યા છે, અને અમે મહિલા ટીમ માટે એક અદ્ભુત નવા યુગની રાહ જોઈ રહ્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે, ઝુલન ગોસ્વામી મહિલા વન-ડેમાં સૌથી વધુ 255 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે 2022માં પોતાની કારકિર્દીનો અંત લાવ્યો, જ્યાં સુધીમાં તેમણે વિવિધ ફોર્મેટમાં કુલ 355 વિકેટ લીધી હતી. અંજુમ ચોપરાએ 150થી વધુ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આ પણ વાંચો…Video: મિતાલી-ઝુલનનું સપનું પૂરું થયું; હાથમાં ટ્રોફી, આંખોમાં આંસુ, મેદાન પરના ભાવુક દ્રશ્યો…



