ઓટીટી પર આવી રહી છે વધુ એક સ્પાય થ્રિલર, જોવાનું ચૂકશો નહીં | મુંબઈ સમાચાર

ઓટીટી પર આવી રહી છે વધુ એક સ્પાય થ્રિલર, જોવાનું ચૂકશો નહીં

તાજેતરમાં જ એક સ્પાય થ્રિલરે ઓટીટી પ્લેટફોર્મ્સ યુઝર્સને જબરા જકડી રાખ્યા. ઑપ્સ-2 જેમણે પણ જોઈ હશે તેમને એક તો ઈન્ટેલિજન્સ એજન્સીમાં કામ કરતા લોકોના સંઘર્ષ અને જોખમોની ખબર પડી હશે અને બીજું તેમનામાં ચોક્કસ તેમના પ્રત્યે અને દેશની સેવા કરવાની તેમની ભાવના પ્રત્યે માન થયું હશે. ચોક્કસ આપણી જાણ બહાર આ દેશની રક્ષા માટે ક્યાં કોણ પોતાની જાનની બાજી લગાવતું હશે તે આપણને ખબર જ નહીં હોય. ફરી આવી એક સ્પાય થ્રિલર આવી રહી છે, જેનું ટ્રેલર જોઈને લાગે છે કે ફરી જાંબાઝ દેશરક્ષકોની દેશભક્તિથી રંગાયેલી છે આ ઓટીટી સિરિઝ. સિરિઝનું નામ છે સલાહકાર. જીયો સ્ટાર અને ઓટીટી પ્લે પ્રિમિયમ પર આ સિરિઝ 8મી ઑગસ્ટે રિલિઝ થશે.

રિયલ સ્ટોરી પર આધારિત છે વેબ સિરિઝ

આ સિરિઝ એક રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે. સિરિઝમાં 1970થી માંડી 2025 સુધીની અમુક ઘટનાઓને સાંકડી લેવામાં આવી છે. 1970 દરમિયાન પાકિસ્તાનના જનરલ ઝિયાઉલ હકે પરમાણુ બોમ્બ બનાવાની શરૂઆત કરી અને તે માટે એક ભારતીય જાસૂસે પાકિસ્તાનમાં કરેલી જાસૂસીની આ કથા છે. જે બે ટાઈમસ્લોટમાં ચાલશે, જેમા આજના સમયની રાજકીય પરિસ્થિતિઓને પણ સાંકડી લેવામાં આવી છે.

ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ RAW પાકિસ્તાનના આ પરમાણુ મિશન પર નજર રાખીને બેઠા હોય છે અને તેમાં એક જાસૂસ કઈ રીતે દેશ માટે કામ કરે છે તેના પર આ વાર્તા છે. ભારત-પાકિસ્તાનની વાત હોય એટલે પોલિટિકલ થ્રિલર તો બનવાની જ.

ખુદા હાફિઝવાળા ફારૂક કબીર આ સિરિઝના ડિરેક્ટર છે. કાસ્ટિંગની વાત કરીએ તો નવીન કસ્તુરિયા અહીં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે એક ભારતીય જાસૂસ હશે અને પાકિસ્તાનમાં બની રહેલા પરમાણુ બોમ્બને રોકવા ધરતીઆકાશ એક કરતો જોવા મળશે. નવીનની સાથે, મૌની રોય, મુકેશ ઋષિ પણ અહીં જોવા મળશે. સૂર્યા શર્મા, અશ્વથ ભટ્ટ, પૂર્ણેન્દુ ભટ્ટાચાર્ય, સિદ્ધાર્થ ભારદ્વાજ, કુલદીપ સરીન સહાયક કલાકારોમાં જોવા મળશે.

આવી સિરિઝ તમને એવા રિયલ લાઈફ હીરોના જીવનમાં, સંઘર્ષમાં ડોકિયું કરવાનો મોકો આપતી હોય છે, જે દેશ માટે ફના થઈ જાય છે, પરંતુ તેમનું નામ પણ ક્યાંય છપાતું નથી. અગાઉ આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીમાં પણ આવી જ સ્ટોરી હતી. તાજેતરમાં રિલિઝ થયેલી સ્પે.ઑપ્સમાં પણ પોતાના જીવના જોખમે દુનિયાના એવા ખૂણામાં ફરતા જાસૂસોના કરતબ જોવા મળે છે, જેમનું મૃત્યુ થશે તો મૃતદેહ તો શું રાખ પણ નહીં મળે, છતાં દેશ માટે ફના થવા આવા દિવાનાઓ નીકળી પડે છે. આ સાથે રાત-દિવસ એક કરી, ઘર પરિવારને ભૂલી ઓફિસમાં બેસી, કોમ્યુટરની સ્ક્રીન પર સતત દુનિયા પર નજર રાખતા, આવતી ક્ષક્ષે શું બનશે તેના થડકામાં જીવતા, રાજકીય દબાણ સહન કરતા અધિકારીઓના યોગદાન વિશે પણ જાણવા મળે છે.

સલાહકાર સિરિઝ કેવી છે તે તો રિલિઝ થયા પછી ખબર પડશે, પણ સ્પાય થ્રિલર જોવાની મજા માણનારાઓ માટે એક નવું નજરાણું આવી રહ્યું છે તે નક્કી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button