‘આયર્નમેન 70.3’ની ફિનિશ લાઈન પાર કરનાર પ્રથમ અભિનેત્રી બની…..
બોલિવૂડ અભિનેત્રી સૈયામી ખેર જર્મનીમાં યોજાયેલી ‘આયર્નમેન 70.3 ટ્રાયથલોન’ પૂર્ણ કરીને મેડલ મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. તેણે કહ્યું હતું કે આ તેના માટે ખૂબ જ ગર્વની વાત છે અને તે હંમેશા આવું કરવા માંગતી હતી. આ રેસમાં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલિંગ અને 21.1 કિલોમીટર દોડનો સમાવેશ થાય છે.
સૈયામીએ કહ્યું હતું કે, “આયર્નમેન 70.3ની ફિનિશ લાઈન પાર કરવી અને મેડલ મેળવવો એ મારા જીવનની સૌથી ગર્વની ક્ષણોમાંની એક છે. હું હંમેશા આ કરવા માંગતી હતી. હું ખૂબ જ ખુશ છું કે આખરે મેં તે કરી બતાવ્યું. 12 થી 14 કલાકના શૂટ સાથે આયર્નમેન માટે તાલીમ લેવી એ ઘણું જ કઠિન કામ હતું.” અભિનેત્રીએ કબૂલાત કરી હતી કે એવા દિવસો હતા જ્યારે હું એટલી થાકી જતી હતી કે અને મને કોઇ પ્રેરણા મળતી નહોતી. તે સમયે ખરેખર જાત સાથે લડવા જેવું લાગતું હતું. તમામ મુશ્કેલીઓ છતાં મેં સખત મહેનત કરી અને અંતિમ રેખા પાર કરી. તેણે એમ પણ કહ્યું હતું કે તે ખૂબ જ ખુશ છે કે તે તેમાં સફળ રહી.
‘આ દોડે મને નિશ્ચયની શક્તિ બતાવી કે જો તમે તમારા મનને કંઈક કરવા માટે સેટ કરો છો તો કોઈ તમને રોકી શકશે નહીં. હું આ ક્ષણ હંમેશા મારી સાથે રાખીશ. હું માત્ર સ્પોર્ટ્સમાં જ નહીં પણ મારી એક્ટિંગ કરિયરમાં પણ લાંબી રેસને પાર કરવા માંગુ છું.’
નોંધનીય છે કે સૈયામી ખેર મનોરંજન જગત સહિત સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સૈયામી નાનપણમાં સ્કૂલમાં એથ્લેટિક્સમાં પણ ભાગ લેતી હતી. હાલમાં પણ તે ફિલ્મોની સાથે રમતગમતમાં પણ ભાગ લેતી રહે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સૈયામી તાજેતરમાં તાહિરા કશ્યપ દ્વારા નિર્દેશિત ‘શર્માજી કી બેટી’માં જોવા મળી હતી. સૈયામી ખેરે સ્પોર્ટ્સ ફિલ્મ ‘ઘૂમર’માં ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી. સૈયામી ખેરે વર્ષ 2016માં ફિલ્મ ‘મિર્ઝા લેડી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સૈયામીએ અત્યાર સુધીમાં 17 પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. હવે તે સની દેઓલ સાથે જોવા મળશે. સૈયામી તેલુગુ ફિલ્મ નિર્માતા ગોપીચંદ માલિનીની ‘SGDM’માં પણ જોવા મળશે.
Also Read –