તમને ખબર છે?: રિયલ લાઈફમાં પણ ઈન્ફ્લુઅન્સર છે ‘સૈયારા’માં દેખાયેલી આ સુંદર છોકરી…

મુંબઈ: મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સૈયારા’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આહાન પાંડે અને અનિત પદ્દાની જોડીએ દર્શકોના દિલ જીતી લીધા છે અને ફિલ્મ ઝડપથી રૂ. 400 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ આ ફિલ્મની સફળતા પાછળ એક એવું પાત્ર પણ છે, જેણે વાર્તાને એક મહત્ત્વપૂર્ણ વળાંક આપ્યો છે.
આ પાત્ર વાણી અને ક્રિશને ફરીથી એક કરવા માટે નિમિત્ત બને છે, પણ શું તમે જાણો છો કે આ પાત્ર કોણે ભજવ્યું છે?

‘સૈયારા’ ફિલ્મમાં વાણી ક્રિશને છોડીને દૂર ચાલી જાય છે. ત્યારબાદ ક્રિશ સફળ ગાયક તો બની જાય છે. પરંતુ તે વાણીનો વિરહ સહન કરી શકતો નથી. તે સતત વાણીને શોધતો રહે છે. એવામાં એક ઇન્ફ્લુએન્સર વ્લોગરની રીલમાં તેને વાણી દેખાઈ જાય છે. ત્યારબાદ ફિલ્મમાં એક નવો વળાંક આવે છે. આ સીનમાં દર્શાવેલ ઇન્ફ્લુએન્સર વ્લોગરની એક ખાસ વાત છે, જે ઘણા લોકો જાણતા નથી.

‘સૈયારા’ની ઇન્ફ્લુએન્સર વ્લોગર ઇશિતા ઠાકુર છે. હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાની આ પહાડી છોકરી વાસ્તવિક જીવનમાં પણ ઇન્ફ્લુએન્સર છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 25,000 થી વધુ ફોલોઅર્સ છે. ‘સૈયારા’ની સફળતા બાદ તેના ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે. તે ફિલ્મ દરમિયાનના આહાન અને અનિત સાથે BTS વીડિયો પણ શેર કરતી રહે છે.

ઇશિતાએ ‘સૈયારા’ પહેલાં પણ નાની ભૂમિકાઓ ભજવી છે. તેણે જોન અબ્રાહમની ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’માં પણ કામ કર્યું છે, જેની ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ઉપરાંત, તેણે ઘણા મ્યુઝિક વીડિયો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.

બોલિવૂડમાં ધીમે ધીમે પોતાની ઓળખ બનાવી રહેલી ઇશિતા અભિનયની સાથોસાથ ગાયનનો પણ શોખ ધરાવે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર અનિત પડ્ડા સાથે ફિલ્મનું એક ગીત ગાતો વીડિયો પણ શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ‘સૈયારા’ની સફળતા બાદ ઇશિતાની સ્ટાઈલ અને ટેલેન્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે.
