સૈફ હવે સૅફ, બે-ત્રણ દિવસમાં ઘરે જઇ શકશે
મુંબઈ: બાંદ્રા પશ્ર્ચિમમાં સતગુરુ શરણ ઇમારતમાંના ઘરમાં મળસકે ઘૂસેલા ચોરે છરીથી હુમલો કર્યા બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સૈફ અલી ખાન પર ઇમર્જન્સી સર્જરી કરાવાઇ હતી અને હવે તે હેમખેમ છે. સૈફને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે એવી અપેક્ષા છે, એમ ડોક્ટરોએ જણાવ્યું હતું.
હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગેએ જણાવ્યું હતું કે ‘અમે સૈફની પ્રગતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. સૈફ અમારી અપેક્ષા અનુસાર સારું કરી રહ્યો છે. અમે તેને સંપૂર્ણ બૅડ રેસ્ટ લેવાની સલાહ આપી છે.
જો તેને સ્વસ્થ લાગતું હોય તો બેથી ત્રણ દિવસમાં તેને રજા આપવામાં આવશે. શુક્રવારે ડૉક્ટરોની ટીમે તેની તપાસ કરી હતી અને તેને ચલાવ્યો પણ હતો. તે બરોબર ચાલી શકે છે. નિયમિત આહાર પણ શરૂ કર્યો છે. શુક્રવારથી તે બૅડ રેસ્ટ લેવાનો હોવાથી મુલાકાતીઓ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
આપણ વાંચો: સૈફ અલી ખાન પર છરીનો હુમલો: સરકાર, પોલીસે ઝડપથી કાર્યવાહી કરી; મુંબઈ સૌથી સુરક્ષિત શહેર: બાવનકુળે
ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઇસીયુ)માંથી બહાર લાવવા માટે તે હવે ફિટ છે. આથી તેને બહાર વિશેષ રૂમમાં ખસેડવામાં આવ્યો છે, એમ ડાંગેએ કહ્યું હતું. સૈફ પર સર્જરી કરનારી ડૉક્ટરોની ટીમની ડૉ. ડાંગેએ આગેવાની કરી હતી.
સૈફને ત્રણ ઇજાઓ થઇ છે. હાથ પર બે, ગરદનની જમણી બાજુ એક. થોરેસિસ સ્પાઇન તરીકે ઓળખાતી કરોડરજ્જુમાં છરીનો ટુકડો ખૂંપ્યો હતો, જેનો ઘા ઊંડો હતો. સદ્નસીબે કરોડરજ્જુને કોઇ હાનિ થઇ નથી, એમ પણ ડૉ. ડાંગેએ કહ્યું હતું.
હુમલા સમયે સૈફ, તેની પત્ની કરીના, તેમના બે સંતાન ચાર વર્ષનો જેહ અને આઠ વર્ષનો તૈમુર તેમ જ પાંચ નોકરો ઘરમાં હાજર હતાં. (પીટીઆઇ)