અભિનેતા સૈફ અલી ખાન પર થયો ચાકુથી હુમલો, હૉસ્પિટલમાં ભરતી
મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને લઇને એક મહત્વના સમાચાર સવાર સવારમાં જાણવા મળ્યા છે. સૈફ અલી ખાનના ઘરમાં તેમની પર ચાકુથી હુમલો થયો છે, જેમા તેઓ ઘાયલ થયા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૈફ અલી ખાનને બાન્દ્રાની લિલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ જાણવા મળ્યું છે કે મોડી રાતે તેમના ઘરમાં ચોર ઘૂસ્યો હતો અને તેણે સૈફ અલી ખાન પર ચાકુખી હુમલો કર્યો હતો. આ ઘટના ગુરુવારે સવારે અઢી વાગ્યાની આસપાસ બની હતી.
એ સમયે સૈફ અલી ખાન તેના પરિવારના અન્ય સભ્યો સાથે ઘરમાં સૂતો હતો. મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રે એક અજાણી વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો અને તેની નોકરાણી સાથે દલીલ કરવા લાગ્યો હતો. એ સમયે અભિનેતાએ દરમિયાનગીરી કરી તેને શાંત પાડવાનો પ્રયત્ન કરતા તેણે અભિનેતા પર ચાકુથી હુમલો કર્યો હતો, જેના કારણે સૈફ અલી ખાન ઘાયલ થયો હતો. ઘરના અન્ય લોકો જાગી જતા ચોર સ્થળ પરથી નાસી ગયો હતો. લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે સૈફ અલી ખાનને સવારે સાડા ત્રણ વાગે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેને છ ઇજા થઇ છે. કેટલાક ઘા ઘણા ઊંડા છે.
એક ઘા તેમની કરોડરજ્જુની નજીક છે. એનું ઑપરેશન કરવામાં આવી રહ્યું છે. તેમનું ઑપરેશન ન્યુરોસર્જન નીતિન ડાંગે, કૉસ્મેટિક સર્જન લીના જૈન અને એનેસ્થેટિસ્ટ નિશા ગાંધી કરી રહ્યા છે. અમે લોકોને ધીરજ રાખવા વિનંતી કરી રહ્યા છીએ. એમ પણ જાણવા મળ્યું છે કે આ હુમલામાં સૈફની પત્ની કરિના કપૂર અને તેમના બાળકો સુરક્ષિત છે.
Also read:સૈફ અલી ખાનની પત્ની અને દીકરી વચ્ચે clash થતા રહી ગયો…
આ ઘટના અંગે પરિવાર તરફથી હજી સુધી કોઇ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. મુંબઇ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. તેમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક્તા ચોરને પકડવાની છે.