મનોરંજન

સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પશ્ચિમ બંગાળની મહિલાની ધરપકડ

આ મહિલાના સિમ કાર્ડનો ઉપયોગ આરોપી શરીફુલ ફકીરે કર્યો હતો

મુંબઈ: બોલીવૂડના સ્ટાર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસની ટીમે સોમવારે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સર્ચ ઑપરેશન હાથ ધરી મહિલાની ધરપકડ કરી હતી.

સૈફ પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઈસ્લામ શહઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર (30)ના મોબાઈલ ફોનમાંથી જપ્ત કરાયેલું સિમ કાર્ડ પશ્ચિમ બંગાળની આ મહિલાના નામે રજિસ્ટર્ડ હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે.

પશ્ચિમ બંગાળ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસની બે અધિકારીઓની ટીમ રવિવારે પશ્ચિમ બંગાળ ગઈ હતી. સૈફ કેસમાં પોલીસની ટીમ એક મહિલાની શોધ ચલાવી રહી હતી. નાદિયા જિલ્લાના છપરા ખાતેથી મહિલાને તાબામાં લેવાઈ હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેને મુંબઈ લાવવામાં આવશે.

આરોપી શરીફુલ ફકીર બંગાળની મહિલા ખુખુમોની જહાંગીર શેખને ઓળખતો હતો. શરીફુલ ગેરકાયદે ભારતમાં ઘૂસ્યા પછી આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આ મહિલા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના અંદુલિયાની વતની હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : સૈફ અલી ખાન અટેક કેસ: ફોરેન્સિક એક્સપર્ટ્સનો શોકિંગ ખુલાસો

પોલીસના જણાવ્યા મુજબ આરોપી શરીફુલ 16 જાન્યુઆરીના મળસકે અઢી વાગ્યાની આસપાસ ચોરીને ઇરાદે અભિનેતા સૈફ અલી ખાનના બાન્દ્રા સ્થિત ફ્લૅટમાં ઘૂસ્યો હતો. સ્ટાફ નર્સની નજર શરીફુલ પર પડતાં તેણે બૂમાબૂમ કરી હતી, જેને પગલે સૈફ અને તેની પત્ની કરીના કપૂર દોડી આવ્યાં હતાં. સૈફે શરીફુલને પકડી પાડ્યો હતો અને છૂટવાના પ્રયાસમાં તેણે સૈફ પર છરીના ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસે શરીફુલને હુમલાના 70 કલાક બાદ ઘોડબંદર રોડ પરના મૅન્ગ્રોવ્ઝમાંથી પકડી પાડ્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button