સૈફ અલી ખાન અટેક કેસ: ફોરેન્સિક એક્સપર્ટ્સનો શોકિંગ ખુલાસો
મુંબઈ: અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાને ઘણો વખત થઈ ગયો છે, છતાં પણ બોલીવુડ હજી આઘાતમાં છે અને પોલીસ પણ અંધારામાં તીર મારી રહી છે. એવામાં ફોરેન્સિક એક્સપર્ટ્સે મહત્વની અપડેટ આપી છે જે પોલીસની થીયરીનો છેદ ઉડાવી દેશે.
સૈફ અલી ખાન અટેક કેસમાં મહત્વની અપડેટ મળી છે. એક અહેવાલ મુજબ ફોરેન્સિક એક્સપર્ટ્સે જણાવ્યું છે કે લીલાવતી હોસ્પિટલના મેડિકલ રિપોર્ટમાં જે જખમની વાત કરવામાં આવી છે એ જખમ કોઈ ચાકુથી લાગી શકે નહીં. આ જખમ કોઈ બુઠ્ઠી ધારવાળા હથિયારથી લાગ્યા હોઈ શકે છે.
સૈફ અલી ખાનની ઘર નોકરાણીનું નિવેદન :-
સૈફ અલી ખાનની ઘરની નોકરાણીએ સૌથી પહેલા ઘરમાં કોઈ ચોર ઘૂસ્યો હોવાની સૂચના આપી હતી. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઘૂસણખોર પોતાની સાથે લાકડી અને ધાતુ કાપવાની પાતળી કરવત લઈને આવ્યો હતો. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે સૈફની કરોડરજ્જુની નજીકથી અઢી ઇંચનો ચાકુનો ટુકડો બહાર કાઢ્યો છે. તેમણે આ ચાકુના ફોટા પણ વાયરલ કર્યા હતા જે ઘણા સમય સુધી મીડિયામાં ચમક્યા કર્યા હતા.
નોકરાણીના અને લીલાવતીના ડોક્ટરોના નિવેદન બાદ પોલીસે પણ જણાવ્યું હતું કે તેમને સૈફ અલી ખાનના ઘરમાંથી ચાકુનો એક ટુકડો મળી આવ્યો છે.
હવે ફોરેન્સિક એક્સપર્ટ્સના નિવેદન બાદ આખી ઘટનાનો છેદ ઊડી ગયો છે. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ આ અંગે હાલમાં કંઈ જણાવ્યું નથી. પોલીસે પણ આ મામલે હાલમાં નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો :સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એકથી વધુ વ્યક્તિની સંડોવણીની પોલીસને શંકા
પોલીસે જણાવ્યું હતું કે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસેલો ચોર બાંગ્લાદેશી હતો અને તે બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદે ભારતમાં આવ્યો હતો. તેને વતન બાંગ્લાદેશ પરત ફરવા માટે પૈસાની જરૂર હતી અને તે ચોરીના બહાને સૈફના ઘરમાં ઘૂસ્યો હતો.
આ કેસમાં ફોરેન્સિક એક્સપર્ટ્સનું નિવેદન ઘણું મહત્વનું છે કારણ કે તેનાથી પોલીસની અને હોસ્પિટલના ડોક્ટરોની થીયરીનો આખો છેદ જ ઉડી જાય છે. આ મામલે કોણ કોને બચાવવાની કોશિશ કરી રહ્યું છે અને સત્ય હકીકત શું છે તે લોકોની સમજમાં આવી રહી નથી. અગાઉ પણ એવા અહેવાલો આવ્યા હતા કે સૈફ પર હુમલો કરનાર વ્યક્તિ અને પોલીસે પકડેલો વ્યક્તિ બંને અલગ અલગ છે. સૈફને હોસ્પિટલમાં પહોંચાડવા અંગે પણ અલગ અલગ સમાચારો આવ્યા હતા. કેટલાક સમાચારોમાં એમ જણાવવામાં આવ્યું હતું કે હુમલા બાદ સૈફને તેનો દીકરો તૈમુર લઈને હોસ્પિટલમાં ગયો હતો જ્યારે કેટલાક સમાચારોમાં એમ જણાવવામાં આવ્યું હતું કે તેને તેનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન હોસ્પિટલમાં લઈ ગયો હતો, તો ક્યાંક એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સૈફને તેનો મિત્ર લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. હવે ફોરેન્સિક એક્સપર્ટ્સના નિવેદન બાદ પોલીસ અને લીલાવતીના ડોક્ટરો શું પ્રતિક્રિયા આપે છે તે જાણવું મહત્વનું રહેશે.