સૈફના હુમલા બાદ સવાલોનો મારો રોકાતો નથીઃ હવે એએમસીએ વીમા કંપનીને સવાલ કર્યો કે…
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા અને તેના ડિસ્ચાર્જ બાદ ઘણી એવી બાબતો બહાર આવી રહી છે જે વિવાદ કે ચર્ચાનો વિષય બની રહી છે, તેમાં હવે વધુ એક વિવાદ ઉમેરાયો છે. આ બાબતે ડોક્ટોમાં ચર્ચા ચાલી રહી છે અને એસોસિયેશન ઓફ મેડિકલ કન્સલટન્ટ (amc) તો વીમા કંપનીઓને ઝાટકી નાખી છે.
એક તો સૈફ અલી ખાન પાંચ દિવસમાં હૉસ્પિટલમાંથી જે રીતે ફીટ અને ફાઈન બહાર આવ્યો તેનો વિવાદ ચાલી જ રહ્યો છે. બીજી બાજુ તેના હુમલા મામલે પકડાયેલા બાંગ્લાદેશી હુમલાખોરનો પણ વિવાદ ચાલુ છે. હુમલા બાદ પત્ની કરીના કપૂર અને સૈફ અલી ખાને પોલીસને આપેલા નિવેદન અલગ અલગ હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે હવે સૈફના વીમાની રકમનો મામલો બહાર આવ્યો છે.
આ પણ વાંચો : દાઝ્યા પર ડામ જેવું થયું સૈફ અલી ખાનને, સરકારે…..
શું છે નવો વિવાદ અને એએમસીનું શું કહે છે
સૈફ અલી ખાનનો મેડિક્લેમ રૂ. 25 લાખનો હતો. તેનું પાંચ દિવસનું લીલાવતી હૉસ્પિટલનું બિલ રૂ. 35 લાખ આસપાસ આવ્યું હતું. જોકે સૈફનો રૂ. 25 લાખનો વીમો માત્ર ચાર કલાકમાં પાસ થઈ ગયો. કોઈ સામાન્ય માણસનો એક લાખનો વીમો પાસ કરાવતા નાકે દમ નીકળી જાય. પૂરા એક લાખ મળે પણ નહીં અને દરદીની સંભાળ રાખવાને બદલે ઘરની વ્યક્તિ વીમા કંપનીઓના ધક્કા ખાવામાં પડી જાય, ત્યારે સેલિબ્રિટીઓને વીમાની રકમ આટલી જલદી મળી જાય અને સામાન્ય માણસને કનડગત શા માટે તેવો સવાલ એએમસીએ વીમા કંપનીઓને કર્યો હતો. Insurance Regulatory and Development Authority of India(IRDAI)ને એસોસિયેશને પત્ર લખ્યો છે અને આ રીતે ગ્રાહકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર અંગે સવાલો ઊભા કર્યા છે.
એમએમસીએ એમ પણ કહ્યું છે કે અમે કોર્પોરેટ હૉસ્પિટલ કે સેલિબ્રિટીની વિરુદ્ધમાં નથી, પરંતુ નાના નાના નર્સિંગ હૉમ્સ અને સામાન્ય નાગરિકોના વીમા પાસ થવામાં પણ કોઈ અવરોધ ન આવે તે જોવાનું છે.