‘રામાયણ’ની સીતા સાઈ પલ્લવીની નમ્રતાએ દર્શકોના દિલ જીત્યા, જૂઓ વીડિયો

મુંબઈ: સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી અવોર્ડ્સ (SIIMA) 2025માં દક્ષિણ ભારતીય સિનેમાના સ્ટાર્સે દુબઈમાં પોતાની ચમક બતાવી. આ કાર્યક્રમની એક ખાસ ક્ષણે સોશિયલ મીડિયા પર ખૂબ ધ્યાન ખેંચ્યું, જેમાં અભિનેત્રી સાઈ પલ્લવીની નમ્રતા અને સંસ્કારોએ લોકોનું દિલ જીતી લીધું. આ ઉપરાંત, અવોર્ડ્સમાં ઘણા કલાકારોએ પોતાની પ્રતિભા દ્વારા પુરસ્કારો પર નામ નોંધાવ્યું, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
SIIMA 2025માં સાઈ પલ્લવીએ દિગ્ગજ અભિનેતા કમલ હાસનને પગે લાગીને આશીર્વાદ લેતો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં સાઈ પલ્લવી હાથ જોડીને કમલ હાસનના પગે ઝૂકે છે અને તેમના આશીર્વાદ લે છે. કમલ હાસને આ નમ્ર ગેસ્ટચરથી પ્રભાવિત થઈને તેમને આશીર્વાદ આપ્યા અને હળવી મુસ્કાન સાથે તેમનું સ્વાગત કર્યું. ચાહકોએ આ ક્ષણને દક્ષિણ ભારતીય સંસ્કૃતિની ઊંડી પરંપરાનું પ્રતિક ગણાવ્યું અને સાઈની સાદગીની ખૂબ પ્રશંસા કરી.
6 સપ્ટેમ્બરે દુબઈમાં આયોજિત SIIMA 2025માં સાઈ પલ્લવીએ તમિલ ફિલ્મ ‘અમરન’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો. તેલુગુ અને કન્નડ ક્ષેત્રમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાએ અભિનયમાં ટોચના પુરસ્કારો મેળવ્યા. આ ઉપરાંત, ‘કલ્કિ 2898 AD’ અને ‘ગૌરી’ ફિલ્મોએ અભિનય અને ટેકનિકલ કેટેગરીમાં ઘણા એવોર્ડ્સ પોતાના નામે કર્યા. આ એવોર્ડ્સે દક્ષિણ ભારતીય સિનેમાની ગુણવત્તા અને વૈવિધ્યતાને ઉજાગર કરી.
સાઈ પલ્લવી નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવીને બોલીવૂડમાં ડેબ્યૂ કરવા તૈયાર છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. હોલિવૂડના પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર્સ ટેરી નોટરી અને ગાય નોરિસ દેવતાઓ અને રાક્ષસોના યુદ્ધની કોરિયોગ્રાફી કરી રહ્યા છે. પ્રોડક્શન ડિઝાઈનર રવિ બંસલ અને રેમસી એવરી પ્રાચીન ભારતના દ્રશ્યોને ભવ્ય રીતે રજૂ કરશે. આ ફિલ્મ IMAXમાં રિલીઝ થશે, જેનો પહેલો ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે.