એસએસ રાજામૌલીની ઓસ્કાર વિજેતા ફિલ્મ RRR ફરી એકવાર ચર્ચામાં છે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનીંગ જાપાનમાં 18 માર્ચે યોજવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ઇવેન્ટ માટે એડવાન્સ ટિકિટ બુકીંગ 13 માર્ચે શરૂ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ફિલ્મની ટિકિટ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં વેચાઈ ગઈ છે. એસએસ રાજામૌલી આવતા અઠવાડિયે જાપાનમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનીંગમાં હાજરી આપશે.=
RRR’ના સત્તાવાર X હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ જાપાનના સિનેમાઘરોમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે. જાપાનમાં થિયેટરમાં આ ફિલ્મ રિલીઝ થયાને લગભગ 1.5 વર્ષ થઈ ગયા છે અને હજી પણ આ ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી છે. 18 માર્ચના શોની ટિકિટ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં વેચાઇ ગઇ.
નોંધનીય છે કે RRR’ટીમે ઓક્ટોબર 2022માં જાપાનમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું . એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ અને ફિલ્મના અનેય કલાકારો તે સમયે હાજર રહ્યા હતા. જોકે, તે સમયે કોરોના રોગચાળો ચાલી રહ્યો હોવાથી અનેક પ્રતિબંધો હતા. હવે જ્યારે કોરોના રોગચાળાના પ્રતિબંધો ઉઠી ગયા છે ત્યારે એસએસ રાજામૌલી 18 માર્ચે જાપાનમાં ‘RRR’નું સ્ક્રીનિંગ જોવા માટે જાપાન જવા માટે તૈયાર છે. સ્ક્રીનીંગમાં હાજરી આપવા ઉપરાંત, એસએસ રાજામૌલી જાપાની પ્રેક્ષકો સાથે સંવાદ પણ સાધશે. આ ફિલ્મ શિંજુકુ વોલ્ડ 9 અને શિંજુકુ પિકાડિલી ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.
‘RRR’ જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત, એક ઐતિહાસિક એક્શન મૂવી છે જે આઝાદી માટે અંગ્રેજો સામે ભારતના સંઘર્ષને દર્શાવે છે. એસએસ રાજામૌલીએ ફિલ્મની ભાવિ સિક્વલ વિશે પણ સંકેત આપ્યો હતો.
‘RRR’ ના ‘નાતુ નાતુ’ ને 2023 માં શ્રેષ્ઠ મૂળ ગીત માટેનો ઓસ્કાર મળ્યો હતો. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ સહિત અનેક દેશીવિદેશી પુરસ્કારો મળ્યા છે.