મનોરંજન

રોહિત શેટ્ટીના નિવાસસ્થાન પર ગોળીબાર

નાકાબંધીથી ડરીને સ્કૂટર છોડવું પડ્યું એમાં આરોપી ઝડપાયા

મુંબઈ: રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબાર કરવામાં સંડોવાયેલો આરોપી નાકાબંધીથી ડરીને જૂહુ ચર્ચ પાસે સ્કૂટર છોડી ભાગ્યો એમાં પોલીસ તરત જ તેમનું પગેરું શોધી શકી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલામાંથી એક આરોપીએ હાલમાં જ એક સેક્ધડહેન્ડ સ્કૂટર ખરીદ્યું હતું, પણ તેનું રજિસ્ટ્રેશન પોતાના નામ પર ટ્રાન્સફર કરાવ્યું નહોતું. પોલીસને શક છે કે કદાચ ગોળીબારમાં ઉપયોગ કરવા જ સ્કૂટર ખરીદવામાં આવ્યું હશે.

સીસીટીવી ફૂટેજ પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે શેટ્ટીની બિલ્ડિંગથી બે બિલ્ડિંગ પહેલાં જ આરોપીએ સ્કૂટર પાર્ક કર્યું હતું. પછી શેટ્ટી ટાવરની રૅકી કરીને શૂટરે ગોળીબાર કર્યો હતો. ગોળીબાર પછી ભાગીને તે ફરી સ્કૂટર પાસે આવ્યો હતો. સ્કૂટર તુલિપ સ્ટાર હોટેલ નજીકના સિગ્નલ પાસે પહોંચી ત્યારે પોલીસની નાકાબંધી જોઈ શૂટર ડરી ગયો હતો. તેણે ઉતાવળે 10મા રોડ પરથી યુટર્ન લીધો હતો અને જૂહુ ચર્ચ પહોંચ્યો હતો.

ચર્ચ પાસે સ્કૂટર છોડી આરોપી રિક્ષામાં ફરાર થયો હતો.

કહેવાય છે કે પહેલાં તેણે રિક્ષા ડ્રાઈવરને કલ્યાણ લઈ જવાનું કહ્યું હતું, પરંતુ આટલે દૂર જવાની તેણે ના પાડતાં આરોપી જૂહુ ચોપાટી ગયો હતો. ત્યાંથી બીજી રિક્ષામાં તે સ્ટેશને પહોંચ્યો હતો અને પછી કલ્યાણ ગયો હતો. કલ્યાણથી તે ટ્રેનમાં પુણે પહોંચ્યો હતો.

દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે સ્કૂટરને ચર્ચ પાસેથી તાબામાં લીધું હતું. તેના રજિસ્ટ્રેશન નંબરને આધારે પોલીસ સ્કૂટરના મૂળ માલિક સુધી પહોંચી હતી, જે પુણેનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. સ્કૂટરના માલિકે જેને સ્કૂટર વેચ્યું હતું તેની માહિતી મેળવી પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી.

આ પણ વાંચો…રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ: બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી, પોલીસ એક્શનમાં…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button