Rohit Sharma’s wife Ritika trolled : રોહિતની પત્ની રિતિકાની ગાઝા પટ્ટીના લોકો પ્રત્યે કૂણી લાગણી?
મીડિયામાં ટ્રૉલ થતાં તેણે પોસ્ટ ડિલીટ કરી નાખી
મુંબઈ: પહેલી જૂને અમેરિકામાં શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયાના વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટૅન્કોવિચ પછી હવે કૅપ્ટન રોહિત શર્માની વાઇફ રિતિકા સજદેહ પણ ન્યૂઝમાં આવી ગઈ છે. ફરક માત્ર એટલો છે કે નતાશાનો મામલો અંગત છે, જ્યારે રિતિકાને લગતો વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તરની વિવાદાસ્પદ વિચારસરણીને લગતો છે.
રિતિકાનો આખો મામલો તાજેતરમાં સોશિયલ મીડિયામાં તેણે પોસ્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી વિશે તે ટ્રૉલ થઈ એ વિશેનો છે. રિતિકાએ 28મી મેએ (મંગળવારે) ઇન્સ્ટાગ્રામ પર “All Eyes On Rafah” સ્લોગન સાથેની પોસ્ટ શૅર કરી એ સાથે તેના પર ટીકાનો વરસાદ શરૂ થઈ ગયો. મીડિયામાં અનેક લોકોનું નિશાન બનતાં જ રિતિકાએ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. જોકે તે ટ્રૉલ થવાની ચાલુ જ રહી હતી.
“ઑલ આઇસ ઑન રફાહ સ્લોગન ઇઝરાયલ અને હમાસના કબજા હેઠળના ગાઝા પટ્ટા પરના રફાહ નામના સ્થળને લગતું છે. તાજેતરમાં ગાઝા પર અને ખાસ કરીને રફાહ પર ઇઝરાયલે હમાસ આતંકવાદીઓનો નાશ કરવા તેમ જ બાનમાં રાખવામાં આવેલા પોતાના નાગરિકોને છોડાવવા આક્રમણ શરૂ કર્યું એને પગલે ઘણી જાણીતી હસ્તીઓએ મીડિયામાં સીધી યા આડકતરી રીતે રફાહમાંના નાગરિકોની તરફેણ કરી છે.
સ્પેન અને નોર્વેએ પૅલેસ્ટીનને માન્યતા આપી એ પછી પણ ઇઝરાયલે ગાઝા અને ઇજિપ્તની સરહદની નજીક આવેલા રફાહ નામના પ્રદેશ પર આક્રમણ ચાલુ રાખ્યું છે. ઇઝરાયલનો મુખ્ય ઉદ્દેશ હમાસ આતંકવાદીઓનો નાશ કરવાનો છે. રફાહમાં દસ લાખથી વધુ લોકો રહે છે. યુદ્ધ સતતપણ ચાલુ રહેતાં ઘણી નામી હસ્તીઓએ મીડિયામાં રફાહની તરફેણમાં ચિંતા વ્યક્ત કરી છે અને ગાઝાની જનતાને ટેકો વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયામાં “ઑલ આઇસ ઑન રફાહ સ્લોગન શૅર કરનાર જાણીતી વ્યક્તિઓમાં રોહિતની પત્ની રિતિકા ઉપરાંત વરુણ ધવન, સોનમ કપૂર, રકુલ પ્રીત, નોરા ફતેહી, ભૂમિ પેડણેકર, સ્વરા ભાસ્કર, સાનિયા મિર્ઝા, હરભજન સિંહની પત્ની ગીતા બસરા, સિંગર શિલ્પા રાવ, કૉમેડિયન વીર દાસ, ધ્વનિ ભાનુશાળી, વગેરેનો સમાવેશ છે.
ખાસ કરીને રિતિકા રોહિત શર્માની પોસ્ટથી સોશિયલ મીડિયા પરના કેટલાક યુઝર્સને આંચકો લાગ્યો છે. તેમણે રિતિકા સામે આક્ષેપ કર્યો છે કે તે પોતાને ઍક્ટિવિઝમ ગણાવતી હોય તો એમાં સિલેક્ટીવ શા માટે છે? કેમ તે કાશ્મીરી પંડિતોની યાતના વિશે ક્યારેય કંઈ નથી બોલી? પાકિસ્તાન અને બાંગલાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થાય છે એ બાબતમાં કેમ મંતવ્ય નથી આપતી? એક યુઝરે લખ્યું છે, ‘જુઓ, રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ ક્યારેય કાશ્મીરી પંડિતો વિશે કે પાકિસ્તાન-બાંગલાદેશમાંના હિન્દુઓની યાતનાઓ વિશે ક્યારેય બોલતી નથી, પણ પૅલેસ્ટીન અને ગાઝા વિશે ખૂબ ચિંતા બતાવે છે.’
કેટલાક યુઝર તો રિતિકાની પોસ્ટને રાજકીય પીઆર એજન્સીની ‘પેઇડ સ્ટોરી’ તરીકે ઓળખાવે છે. કેટલાક લખે છે કે ‘પૅલેસ્ટીન-તરફી જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની રિતિકાને જાણ નથી લાગતી, પરંતુ સત્યની જાણ થતાં જ તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી નાખી છે.’