5 વર્ષ બાદ રિયા ચક્રવર્તીને NCBએ જપ્ત કરેલો પાસપોર્ટ પાછો મળ્યો: ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર…

મુંબઈ: વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. આ આત્મહત્યાને લઈને તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી પર શંકાની સોય આવીને અટકી હતી. જેને લઈને રિયા ચક્રવર્તીને જેલમાં જવાની પણ નોબત આવી હતી. સાથોસાથ તેનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, હવે આ કેસના પાંચ વર્ષ બાદ રિયા ચક્રવર્તી માટે સારા સમાચાર આવ્યા છે.
NCBને પાસપોર્ટ પાછો આપવાનો આદેશ
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ રિયા ચક્રવર્તીનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો. જેથી તેના વિદેશ પ્રવાસો પણ અટકી ગયા હતા. જેથી તે કોઈ ફિલ્મ પણ કરી શકતી ન હતી. જેને લઈને રિયા ચક્રવર્તીએ NCB પાસેથી પાસપોર્ટ પાછો મેળવવા માટે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને લઈને બોમ્બે હાઈ કોર્ટે રિયા ચક્રવર્તીને રાહત આપી હતી.
તાજેતરમાં રિયા ચક્રવર્તીની અરજી પર થયેલી સુનાવણીમાં તેના વકીલે દલીલ કરી હતી કે, રિયાએ તેની જામીનની તમામ શરતોનું પાલન કર્યું છે. તેણે ક્યારેય કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું નથી. તેને અવારનવાર શૂટિંગ, ઓડિશન અને મીટિંગ્સ માટે હવાઈ યાત્રા કરવાની જરૂર પડે છે. વકીલની આ દલીલને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈ કોર્ટે પોતાની સુનાવણીમાં NCBને તેનો પાસપોર્ટ પાછો આપવાનો આદેશ કર્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી લાગણી
પોતાનો પાસપોર્ટ પાછો મેળવીને રિયા ચક્રવર્તીએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પાસપોર્ટનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, “છેલ્લા 5 વર્ષનું ધીરજ મારો આ પાસપોર્ટ હતો. અગણિત લડત, અનંત આશા. આજે, મારી પાસે ફરી મારો પાસપોર્ટ આવી ગયો છે. હું મારા બીજા અધ્યાય માટે તૈયાર છું. સત્યમેવ જયતે.”
ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટને લઈને ફાતિમા સના શેખ, શિવાની દાંડેકરે તેને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કોમેન્ટમાં લખ્યું કે, હવે તે નિ:સંકોચ ફોરેન ટ્રીપ પર જઈ શકશે.