‘ન્યૂ યોર્ક’ ફિલ્મ કેટરિનાએ તેના બોયફ્રેન્ડના કહેવાથી સાઈન કર્યાનો ખુલાસો
મુંબઈ: ડિરેક્ટર કબીર ખાનની 2009માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ન્યૂ યોર્ક’માં અભિનેતા જોન અબ્રાહમ અને કેટરિના કેફ લીડ રોલમાં જોવા મળ્યા હતા. જોકે, કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘ન્યૂ યોર્ક’માં કેટરિના કેફને બિલકુલ કામ નહોતું કરવું, પણ કેટરીનાએ સલમાન ખાનના કહેવા પર આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઈ હતી, એવો ખુલાસો કબીર ખાને એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
ઇન્ટરવ્યૂમાં કબીર ખાને કહ્યું હતું કે મારી અને યશ રાજ ફિલ્મ સાથે ‘ન્યૂ યોર્ક’ કેટરીના કેફની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મની સ્ટોરી કેટરીના ગમતી નહોતી અને તેને રોમાન્ટિક ફિલ્મ કરવી હતી, જેમાં ગીતો અને ડાન્સ હોય. મારી ફિલ્મની સ્ટોરી સાંભળીને તેણે મને કહ્યું હતું કે આ કેવી ફિલ્મ છે?
ફિલ્મ કરિયરની શરૂઆતમાં કેટરિના કેફ સલમાન ખાન સાથે રિલેશનમાં હતી. ફિલ્મ ‘ન્યૂ યોર્ક’ બાબતે કેટરિનાએ સલમાન સાથે વાત કરી હતી. કેટરિનાએ કહ્યું હતું કે કોઈ નવા ફિલ્મ મેકર છે જેને માત્ર એક જ ફિલ્મ બનાવી છે અને તેમની નવી ફિલ્મમાં મને રોલ ઓફર કર્યો છે, પણ મને આ ફિલ્મની સ્ટોરી ગમી નહોતી. કેટરિનાની આ વાત સાંભળીને સલમાને તે ફિલ્મમેકર કોણ છે? એવું પૂછ્યું હતું. ત્યારે કેટરીનાએ મારું (કબીર ખાન) નામ લીધું હતું. મારું નામ સાંભળીને સલમાને કેટરિનાને આ ફિલ્મ આખ બંધ કરીને સાઇન કરવા કહ્યું હતું. આ બધી બાબત મને કેટરિનાએ કહી હતી, એવું કબીર ખાને જણાવ્યું હતું.
કબીર ખાને તેમની ફિલ્મ ‘ન્યૂ યોર્ક’ના શૂટિંગ બાબતે કહ્યું હતું કે તેમણે 100 દિવસ સુધી અમેરિકાના ન્યૂ યોર્કમાં શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મ કેટરિના માટે એક નવો અને અલગ અનુભવ હતો. કેટરિના જ્યારે પણ સેટ પર આવતી હતી ત્યારે તે મને સર કહીને બોલાવતી હતી, પણ મેં તેને કહ્યું કે તારો બોયફ્રેન્ડ સલમાન મારાથી ચાર વર્ષ મોટો છે, પ્લીઝ મને સર નહીં કે.
કબીર ખાનની ‘ન્યૂ યોર્ક’ બોક્સ ઓફિસ પર સુપરહીટ થયાની સાથે લોકોને પણ તે ખૂબ જ ગમી હતી. આ ફિલ્મથી જ કેટરિના કેફને બૉલીવૂડમાં સ્ટારડમ અને લાઈમલાઇટ મળી હતી અને તેનું નામ બૉલીવુડની ટોચની અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ થયું હતું, એવું કબીર ખાને કહ્યું હતું.