નેશનલમનોરંજન

અર્જુન રામપાલને કરચોરી કેસમાં રાહત: હાઈ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યું

મુંબઈઃ 2019ના કરચોરીના એક કેસમાં અભિનેતા અર્જુન રામપાલ સામે સ્થાનિક કોર્ટ દ્વારા જારી કરાયેલ બિનજામીનપાત્ર વોરંટ મુંબઈ હાઈ કોર્ટે રદ કર્યું છે અને વોરંટના આદેશને “યાંત્રિક અને ભેદી” ગણાવ્યો છે.

૧૬ મેના રોજ ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની વેકેશન બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટનો આદેશ “કાયદાની વિરુદ્ધ” હતો અને મનનો ઉપયોગ કર્યા વિના પસાર કરવામાં આવ્યો હતો.રામપાલે આવકવેરા કાયદાની કલમ ૨૭૬C(૨) હેઠળના ગુના માટે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરાયેલા ૨૦૧૯ના કેસમાં મેજિસ્ટ્રેટની કોર્ટે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાના ૯ એપ્રિલના આદેશને પડકારતા હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

અભિનેતાની અરજી મુજબ, તેમના વકીલે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવાથી મુક્તિ મેળવવા માટે અરજી કરી હતી. જોકે, કોર્ટે તેને ફગાવી દીધો અને રામપાલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું, એમ તેમાં જણાવાયું છે. આદેશમાં ન્યાયાધીશ સેઠનાએ નોંધ્યું હતું કે રામપાલ પર જે ગુનાનો આરોપ છે તે મહત્તમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે અને તે જામીનપાત્ર ગુનો છે.

મેજિસ્ટ્રેટ કોર્ટે આ બાબતને ધ્યાનમાં લીધી નથી અને જામીનપાત્ર ગુનામાં અભિનેતા સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવાનો આદેશ “યાંત્રિક રીતે” પસાર કર્યો છે. તેમાં ઉમેર્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરતા પહેલા કોઈ કારણો પણ નોંધ્યા નહોતા.

હાઇ કોર્ટે કહ્યું હતું કે જામીનપાત્ર ગુનાના કેસમાં બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવાથી અભિનેતા પ્રત્યે પૂર્વગ્રહ રહેશે. હાઇ કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે મેજિસ્ટ્રેટે એ હકીકતને અવગણી હતી કે અભિનેતાના વકીલ કોર્ટમાં હાજર હતા. હાઇ કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૧૬ જૂન પર મુલતવી રાખી હતી.

રામપાલના વકીલ સ્વપ્નિલ અંબુરેએ કોર્ટમાં દલીલ કરી હતી કે ડિસેમ્બર ૨૦૧૯ (નોટિસ જારી કરવા) અને એપ્રિલ ૨૦૨૫ (બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવા)ના મેજિસ્ટ્રેટના આદેશો ખોટા અને મનસ્વી હતા. “નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે સંપૂર્ણ કર રકમ વિલંબથી ચૂકવવામાં આવી હતી. પરંતુ વિભાગ દ્વારા ફરિયાદમાં થયેલ આક્ષેપ મુજબ કોઈ કરચોરી કરવામાં આવી નથી,” અંબુરેએ હાઇ કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે અર્જુન રામપાલના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી હતી.

આ પણ વાંચો…જીએસટી ચોરીમાં થયો તોતિંગ વધારો: 10 મહિનામાં સરકારે 1.95 લાખ કરોડની કરચોરી ઝડપી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button