મનોરંજન

ઈન આંખો કી મસ્તી કે…રેખાની માસ્ટરપિસ ઉમરાવ જાનને 44 વર્ષ થયા, જાણો ફિલ્મની રસપ્રદ વાતો

અભિનેત્રી રેખાનું નામ આવે તો દરેકની નજરમાં તેનો લખનવી શિંગાર અને પરિધાન સાથેનો તવાયફનો ચહેરો યાદ આવ્યા વિના ન રહે. રેખાએ ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય અને સુંદરતાનો જાદુ વિખેર્યો છે, પરંતુ ઉમરાવ જાન માત્ર તેની જ નહીં, ભારતીય સિનેમાની ક્લાસિક ફિલ્મમાંની એક છે. આજે આ ફિલ્મની રિલિઝને 44 વર્ષ પૂરા થયા છે. ત્યારે જાણીએ તેની રસપ્રદ વાતો…

કઈ રીતે ડિરેક્ટરને મળી તેની ઉમરાવ જાન

આ ફિલ્મના ડિરેક્ટર મુઝફફર અલીએ પોતાની બુક ઝિક્ર માં આ વિશેની ઘણી વાતો લખી છે. જેમાંથી સૌથી રસપ્રદ વાત આ ફિલ્મ માટે રેખાની પસંદગી સાથે જોડાયેલી છે. મુઝફ્ફર અલીએ જણાવ્યું છે કે તેઓ હોટેલ તાજ મહેલમાં બાર્બરની શૉપમાં વાળ કપાવી રહ્યા હતા. તે સમયે એક મેગેઝિન તેમના હાથમાં આવ્યું, તેમાં જે ચહેરો હતો તે મારી સામે જોઈ રહ્યો હતો.

આ મેગેઝિન અને તેની બે આંખો મેં ફિલ્મ સાથે જોડાયેલા લોકોને બતાવી. જેમાં સહ-લેખિકા શમા અને કૉસ્ચ્યુમ ડિઝાઈનર સુભાષિનીનો પણ સમાવેશ થાય છે. આ ચહેરો એટલે રેખા. રેખા તે સમયે એક કર્મશિયલ હીરોઈન તરીકે જાણીતી હતી, તેની પાસેથી ઉમરાવ જાનને કેમેરા પર જીવંત કરવાની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય તે વિચાર્યા બાદ અને નિર્માતાની સંમતી લીધા બાદ તે ત્રણેય રેખાના ઘરે ગયા. બીજી કોઈ હીરોઈન આ રોલ જોઈને આનાકાની કરે અથવા ચિત્ર-વિચિત્ર સવાલ પૂછે, પણ રેખાએ આવું કંઈ ન કરતા સહમતિ દર્શાવી.

આ સાથે આ ફિલ્મ માટે ઉર્દુ શિખવી અને તેના લહેજામાં બોલવી ખૂબ જ જરૂરી હતી. જોકે ડિરેક્ટરે કહ્યું છે કે હું રેખા પર આ થોપવા ન હતો માગતો, પરંતુ રેખાએ એકએક સિનમાં જીવ રેડી દીધો. તેણે દરેક કામ ઉત્સાહથી કર્યુ અને એકવાર પણ આ શા માટે કરીએ છીએ તેમ પૂછ્યું નહીં કે ક્યારેય પૈસાની વાત ન કરી.

અલીના કહેવા અનુસાર તે જેટલી બહારથી સુંદર દેખાય છે, તેટલી અંદરથી પણ સુંદર છે. રેખાને એક ફિલ્મ ડબ કરતા 5-6 કલાક લાગતી, પરંતુ ઉમરાવ જાનને ડબ કરવામાં તેણે 10 કલાક લગાડ્યા હતા. આ ફિલ્મમાં તેના હોઠ જ નહીં શ્વાસ પણ બોલતો હતો તેમ ડિરેક્ટરે લખ્યું છે.

ફિલ્મ સાથે એક ગુજરાતીનો પણ છે નાતો

આ ફિલ્મની એક મોટી જવાબદારી એક ગુજરાતી પર હતી. ડિરેક્ટર તો ફિલ્મ શૂટ કરી લે. અઢી કલાકની ફિલ્મ માટે તે તમારી સામે પાંચ કલાકનું મટિરિયલ ઠાલવી દે, પછી તેને એક વાર્તાની જેમ લોકો સામે મૂકવાનું કામ કરે છે એડિટર. પડદા પાછળનો મોટો કલાકાર એડિટર હોય છે અને આ એડિટિંગનું કામ એક ગુજરાતીના ખભ્ભે હતું જેમનું નામ હતું ભગવતી પ્રસાદ. અલીએ બુકમાં લખ્યું છે કે તેઓ એક પાક્કા ગુજરાતી હતા અને જીવનમાં ક્યારેય રેખાને મળ્યા ન હતા, પરંતુ એક એક સિન એડિટ કરતા સમયે તેઓ ચતુરાઈપૂર્વક કહેતા ફાડી નાખીશ. આવું જ કામ કેમેરામેન પરવીન ભાટ અને સાઉન્ડ રેકોર્ડિસ્ટ બી કે ચતુર્વેદીએ કર્યું હતું.

ચાર નેશન એવોર્ડ મળ્યા હતા ફિલ્મને

ઉમરાવ જાન ફિલ્મ તે સમયની ફિલ્મો કરતા અલગ હોવા છતાં ખૂબ જ હીટ થઈ હતી અને ફિલ્મે સારી કમાણી પણ કરી હતી. રેખાનો અભિનય આ ફિલ્મનો આત્મા હતો, પરંતુ આ સાથે શૌકત કૈફી (ખાનુમ), દીના પાઠક (બુઆ હુસૈની), જાગીરદાર (મૌલવી), ગૌહર મિર્ઝા (નસિરુદ્દીન શાહ), ફારૂખ શેખ (નવાબ સુલતાન), રાજ બબ્બર (ફૈઝ અલી) તરીકે પણ એટલા જ શાનદાર હતા.

તેમ છતાં રેખા બાદ આ ફિલ્મનો જો કોઈ લીડ પ્રોટેગોનિસ્ટ હોય તો તે હતું ફિલ્મનું સંગીત. ખય્યામના સંગીતમાં ગવાયેલી એક એક ગઝલ આજે પણ એટલી જ લોકપ્રિય છે. આ ફિલ્મે રેખા સાથે આશા ભોંસલેને પણ નવી ઓળખ અને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી હતી.

ફિલ્મને 29માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં ચાર એવોર્ડ્સ મળ્યા હતા જેમાં રેખાને શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ આર્ટ ડિરેક્શન મંઝુર, શ્રેષ્ઠ ગાયિકા આશા ભોંસલે ને શ્રેષ્ઠ સંગીતકાર ખય્યામનો સમાવેશ થાય છે. ફિલ્મફેરમાં પણ આ ફિલ્મનો દબદબો રહ્યો હતો.

2006માં જે પી દત્તાએ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે આ ફિલ્મની રિમેક બનાવી હતી, પરંતુ સુંદરતામાં શ્રેષ્ઠ હોવા છતાં ઐશ્વર્યા રેખા જેવી ઉમરાવ જાન બની શકી ન હતી, ફિલ્મને ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button