ભોજપુરી અભિનેતા રવિ કિશનને રાહત: DNA ટેસ્ટની માગણી કોર્ટે ફગાવી
મુંબઈ: ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા અને ભાજપના નેતા રવિ કિશન સામે એક 25 વર્ષની યુવતીએ રવિ કિશન તેના પિતા હોવાનો દાવો કર્યો હતો તેમ જ અદાલતમાં આ મામલે એક અરજી પણ યુવતીએ દાખલ કરી હતી. જોકે, રવિ કિશન સામે દાખલ કરવામાં આવેલી આ અરજીને અદાલતે ફગાવી કાઢી હતી, જેથી રવિ કિશનને મોટી રાહત મળી છે. આ સાથે મહિલાએ ડીએનએ ટેસ્ટ કરાવાની પણ અરજી અદાલત સમક્ષ કરી હતી.
મુંબઈમાં રહેતી અપર્ણા સોનીએ અદાલતમાં નેતા-અભિનેતા રવિ કિશન તેમની દીકરી શિનોવાના પિતા હોવાનો આરોપ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં અદાલતે કહ્યું હતું કે એવો કોઈ કેસ નથી જે સૂચવે છે કે અપર્ણા સોની અને રવિ કિશન વચ્ચે કોઈ સંબંધ હતા. ગુરુવારની સુનાવણીમાં શિનોવાએ કહ્યું હતું કે તે રવિ કિશનને કાકા કહે છે, પણ તે તેના બાયોલોજિકલ પિતા છે. જોકે રવિ કિશનના વકીલે આ દરેક દાવાને નકારી કાઢ્યા હતા.
રવિ કિશનના વકીલે કહ્યું હતું કે રવિ કિશન અને અપર્ણા સોની વચ્ચે કોઈ પણ સંબંધ નહોતો, જોકે રવિ કિશન અપર્ણાના સારા મિત્ર હોવાથી તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાથે કામ કર્યું છે, એવું પણ કહ્યું હતું.
અપર્ણા સોનીની અરજીમાં અમુક ટેસ્ટ કરવાની પણ માગણી કરવામાં આવી હતી. આ સાથે રવિ કિશન શિનોવાના થોડા સમય સુધી તેમને આર્થિક રીતે સપોર્ટ પણ કરતાં હતા, પણ એક સમય બાદ તેમણે આ બધું આપવાનું એકદમ જ બંધ કરી દીધું હતું. આ સાથે અપર્ણા સોનીએ રવિ કિશન પર તેની દીકરી શિનોવાનો અધિકાર છીનવાનો આરોપ કર્યો હતો.
રવિ કિશન પર લગાવવામાં આવેલા આ આરોપી સામે તેમની પત્ની પ્રીતિ શુક્લાએ અપર્ણા સોની અને શિનોવા સામે એફઆઇઆર દાખલ કરી હતી. પ્રીતિ શુક્લાની એફઆઇઆર બાદ પોલીસે અપર્ણા સોની, તેના પતિ રાજેશ સોની, પુત્રી શિનોવા, પુત્ર સૌનક સોની, સમાજવાદી પાર્ટીના નેતા વિવેક કુમાર પાંડે અને યુટ્યુબ ચેનલ ચલાવતા પત્રકાર ખુર્શીદ ખાન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.