મનોરંજન

અમદાવાદની દુર્ઘટનાઃ ચાર દિવસ બાદ બી-ટાઉનની આ હસીના એર ઈન્ડિયાની ફ્લાઈટમાં, અંદરનો નજારો જોઈને…

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ આખા દેશમાં ચકચાર મચાવી હતી. દેશ હજી આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યો ત્યાં બોલીવૂડની એક જાણીતી એક્ટ્રેસે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરીને અંદરનો નજારો જોઈને પોતે હલી ગઈ હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતાં ફેન્સ ચિંતામાં પડી ગયા છે. આવો જોઈએ કોણ છે આ અભિનેત્રી અને શું થયું એની સાથે…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર દેશ-દુનિયાના દિગ્ગજ લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. બોલીવૂડ સેલેબ્સે પણ પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને હવે આ એક્સિડન્ટના થોડાક દિવસો બાદ જ બોલીવૂડ એક્ટ્રેસ રવીના ટંડને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી છે. અહીંયા તમારી જાણ માટે કે જે પ્લેન ક્રેશ થયું એ પણ એર ઈન્ડિયાનું જ હતું. રવીનાએ એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરી કરવાનો પોતાનો અનુભવ શેર કરતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

રવીના ટંડને પોતાની પોસ્ટમાં ફ્લાઈટની અંદર ગયા બાદના નજારા વિશે વાત કરી છે. આજે રવીનાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠેલી જોવા મળે છે. એક્ટ્રેસે પોતાની ટિકિટ પણ શેર કરી છે. રવીનાએ પોતાની આ પોસ્ટમાં અમદાવાદની ઘટના બાદ હવે એર ઈન્ડિયાની ફ્લાાઈટમાં કેવો માહોલ છે એ પણ જણાવ્યું છે.

એક્ટ્રેસે ફોટોની કેપ્શનમાં લખ્યું હતું કે નવી શરૂઆત. તમામ અવરોધો બાદ પણ ફરી ઉડાન ભરવી અને વધુ મજબૂત થવું. પ્રવાસીઓના મૌન અને ક્રૂના સ્મિતમાં દુઃખ છુપાયેલું છે. પેસેન્જર અને ક્રૂ વચ્ચે છાની છપની સંવેદનાઓ દેખાઈ રહી છે. એ પરિવારો પ્રત્યે સંવેદનાઓ જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. એક એવો ઘાવ જે ક્યારેય નહીં ભરાય. ભગવાન હંમેશા તમારી મદદ કરે એર ઈન્ડિયા. નિડર થઈને ફરી મજબૂત બનવાની ઈચ્છા. જય હિંદ…

અત્રે ઉલ્લેખનીય છે કે 12મી જૂનના 12 ક્રુ અને 230 પ્રવાસીઓને અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ કર્યાની બે જ મિનિટમાં ક્રેશ થઈ ગયું હતું. આ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલાં 242માંથી માત્ર એક જ પ્રવાસીનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા હતા.

આ પણ વાંચો…સલમાન ખાને શેર કર્યો પ્લેનનો ‘ડરામણો અનુભવ’: પ્લેન ક્રેશ મુદ્દે વ્યક્ત કર્યું દુઃખ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button