Happy Birthday: ઉદ્યોગજગતમાં ભારતનો ડંકો વગાડનાર બે દિગ્ગજોના આજે જન્મદિવસ
આપણે દેશમાં આજે પણ ઉદ્યોગપતિઓનું નામ પડે એટલે અમુક કહેવાતા બુદ્ધિજીવીઓ અને સમાજ સુધારકોના મોઢાં મચકોડાઈ જાય છે. ખેતી એ ચોક્કસ ભારતનો આત્મા છે અને તેના પર હજારો પરિવારો અને મૂંગા જીવો નભે છે, પરંતુ ઔદ્યોગિક વિકાસ વિના પણ કોઈ દેશની આર્તિક વ્યવસ્થા મજબૂત થતી નથી અને વિશ્વ સામે ટકી રહેવા આપણે દેશમાં જ ઉદ્યોગોનો વિકાસ થાય તે અનિવાર્ય છે. શિક્ષિતવર્ગ માટે રોજગારી નિર્મિત કરવાની સાથે વૈશ્વિક સંબંધો બાંધવામાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. આપણને ઉદ્યોગપતિઓની સંપત્તિ અને વૈભવી જીવનશૈલી દેખાય છે, પરંતુ અહીં સુધી પહોંચવા તેમણે કરેલો સંઘર્ષ, ઔદ્યોગિક જગતમા તેમણે લાવેલી ક્રાંતિ વિશે આપણે અજાણ હોઈએ છીએ. આવી ક્રાંતિ લાવી વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર દેશના બે અત્યંત સન્માનીય ઉદ્યોગપતિ રતન ટાટા અને ધીરુભાઈ અંબાણીનો આજે 28મી ડિસેમ્બરે જન્મદિવસ છે. બન્ને વિશે આપણે ઘણું જાણીએ છીએ ત્યારે આજે એ જાણીએ કે બન્નેએ આટલી મોટી સિદ્ધિ જે સિદ્ધાંતોને સહારે મેળવી તે શું હતા.
ગુજરાતના નાનકડા ગામ ચોરવાડની બાજુમા આવેલા કુકસવાડામાં જન્મેલા ધીરુભાઈ અંબાણીએ સામાન્ય એવી નોકરીથી શરૂઆત કરી રિલાયન્સ જેવી મોટી કંપની ઊભી કરી. આ પાછળ તેની જે ફિલોસોફી હતી તે એ હતી કે જે સ્વપ્ન જોવાની હિંમત કરે છે તે વિશ્વને જીતી શકે છે. જો તમે તમારા સપના પૂરા નહીં કરો, તો કોઈ અન્ય તમને તેમના સપના પૂરા કરવા માટે કામ પર રાખશે. સાવ સામન્ય એવા વણિક પરિવારમાં જન્મેલા ધીરુબાઈ એમ માનતા કે ગરીબ જન્મવું એ તારો વાંક નથી; પણ ગરીબ મરવું એ તમારી ભૂલ હોઈ શકે. ધંધાનું બીજું નામ જોખમ હોય છે. તમે ગમે તેટલું વિચારીને કે પ્લાનિંગ સાથે કરો સફળતા મળશે કે ઊંધે કાંધ પડશો તેની કોઈ ગેરંટી હોતી નથી. આથી ધીરુભાઈ માનતા હતા કે જોખમ લો અને મોટું વિચારી તેનો અમલ કરો. તેઓ માનતા કે તમારી કલ્પનાઓ પર, તમારા સપનાઓ પર કોઈનો ઈજારો નથી. એકવાર મોટું વિચારશો તો મોટું કરશો પણ ખરા.
જ્યારે સપન્ન પારસી કુટુંબમાં જન્મેલા રતન ટાટા હંમેશાં જેને અશક્ય માનવામાં આવે તેને શક્ય કરવામાં માને છે. ઉદ્યોગજગતમાં માનવીય અભિગમ સાથે અને સમાજસેવાનીભાવના સાથે કામ કરવા માટે જાણીતા રતન ટાટા કહે છે કે કંપનીના મિશન અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓને સમજવા માટે ફેક્ટરી વર્કરની જેમ કામ કરો. લોકોએ તમારા પર ફેંકેલા પથ્થરોમાંથી જ તમે એક સ્મારક બનાવો. જો તમારે ઝડપથી ચાલવું હોય, તો એકલા ચાલો; પરંતુ જો તમે દૂર ચાલવા માંગતા હો, તો દરેકને તમારી સાથે લઈને ચાલો તેમ રતન ટાટા માનને છે. તેમના ઉચ્ચ વિચારો વારંવાર સોશિયલ મીડિયા પર ક્વોટ તરીકે ફ્લેશ થતા હોય છે. 86 વર્ષના રતન ટાટા હજુ પણ તાજગીભર્યા લાગે છે. દેશના યુવાનો આજેપણ તેમને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને તેમના વીડિયો લાખોની સંખ્યામાં જોવાતા હોય છે.
આપણે આજે તેમના જન્મદિવસે તેમની પાસે કેટલી સંપત્તિ છે કે કેવી જાહોજલાલીમાં તેઓ રહે છે તે જોવાને બદલે તેમણે જીવનમાં જે અભિગમ કેળવ્યો, જોખમો લીધા, નિર્ણયો લીધા અને તેને સાચા ઠેરવ્યા તે શિખએ તેમાંથી પ્રેરણા લઈ આપણા કામમાં પણ એટલો જ ખંત રાખી દેશને ઉપયોગી થાય તેવા કામ કરીએ તો તેમનો જન્મ ઉજવ્યો કહેવાશે. કમનસીબે ધીરુભાઈ તો આપણી વચ્ચે નથી ત્યારે તેમને યાદ કરીએ અને રતન ટાટાના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરીએ