નવી દિલ્હી: રશ્મિકા મંદાનાના deepfake વીડિયો વિવાદ મામલે દિલ્હી પોલીસ હરકતમાં આવી છે. પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ કરી છે, ઉપરાંત સોશિયલ મીડિયા કંપની METAને રશ્મિકા મંદાનાનો deepfake વીડિયો જે એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે તેનું URL શેર કરવા માટે પણ કહ્યું છે.
આ કેસમાં દિલ્હી પોલીસની ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ યુનિટમાં ભારતીય દંડ સંહિતાની કલમ 465 અને 469 તથા આઇટી અધિનિયમની કલમ 66 હેઠળ ગુનો નોંધાયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે એક ખાસ પ્રકારની ટીમ બનાવી કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આરોપીને પકડવામાં આવશે. દિલ્હી મહિલા આયોગે પણ શુક્રવારે વાઇરલ વીડિયો અંગે પોલીસને નોટિસ મોકલાવી હતી અને આ કૃત્યમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.
ગત અઠવાડિયે પ્રખ્યાત દક્ષિણ ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક બોલ્ડ deepfake વીડિયો વાઇરલ થયો હતો. જો કે આ વીડિયોમાં AI ટેકનોલોજી વાપરીને એક બ્રિટિશ ઇન્ફ્લુએન્સરનો ચહેરો બદલીને તેના પર રશ્મિકાનો ચહેરો લગાવી ખાસ ટેકનીકથી વીડિયો બનાવી તેને વાઇરલ કરવામાં આવ્યો હતો. જેને પગલે સોશિયલ મીડિયા પર ટેકનોલોજીને લગતા જોખમો અને તેના દુરૂપયોગ અંગે લોકો ચર્ચા કરતા થયા હતા.
Taboola Feed