રશ્મિ દેસાઈએ ન રાખ્યો શેફાલી જરીવાલાના મોતનો મલાજો, સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ ટ્રોલ…

મુંબઈ: ‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી બનેલી શેફાલી જરીવાલાના મૃત્યુએ સૌને ચોકાવી દીધા હતા. બે-ત્રણ રિયાલીટી શોની સફર ખેડીને ‘બિગ બોસ 13’માં આવ્યા બાદ તે વધારે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ‘બિગ બોસ 13’માં તેના ઘણા મિત્રો બન્યા હતા. રશ્મિ દેસાઈ પણ તેની સારી મિત્ર હતી. પરંતુ શેફાલી જરીવાલાના મૃત્યુના ચાર દિવસ બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે.
કેમ ટ્રોલ થઈ રશ્મિ દેસાઈ?
28 તારીખે શેફાલી જરીવાલાનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. રશ્મિ દેસાઈએ પણ શેફાલીના અંતિમસંસ્કારમાં ભાગ લીધો હતો. જોકે મિત્રના મૃત્યુના ચાર દિવસ બાદ રશ્મિ દેસાઈએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈ ડી પર કેટલાક ફોટો શેર કર્યા છે. ફોટોમાં રશ્મિએ ડેનિમ સાથે સફેદ શર્ટ પહેર્યો છે અને હસતા મુખે તેણે ગ્લેમરસ પોઝ પણ આપ્યા છે.

રશ્મિ દેસાઈના આ ફોટોસ તેના ફેન્સને પસંદ આવ્યા છે. પરંતુ કેટલાક યુઝર્સને તે પસંદ આવ્યા નથી. રશ્મિ દેસાઈને ટ્રોલ કરતા એક યુઝરે રડતા ઇમોજી સાથે લખ્યું કે, ‘મારા મિત્રના અવસાનને ચાર દિવસ પણ થયા નથી અને તમે પોસ્ટ કરી રહ્યા છો.’ બીજા યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, ‘તેના(શેફાલી) મૃત્યુ પછી તમારે થોડી ધીરજ બતાવવી જોઈતી હતી.’ ત્રીજા યુઝરે લખ્યું કે, ‘બે દિવસ પહેલા મારી મિત્રના મૃત્યુનું દુઃખ અને આજે આ બધા ફોટા? શેફાલી જરીવાલા શું વિચારશે. આ બધું તમારો ઢોંગ છે.’ અન્ય એક યુઝરે ગુસ્સામાં લખ્યું કે, ‘શેફાલીના અવસાનને બે દિવસ થઈ ગયા છે, તે તમારી મિત્ર હતી, તમારે થોડી અદબ બતાવવી જોઈતી હતી.’
બિગ બોસ 13ના સ્પર્ધકોએ પણ આપી અંતિમસંસ્કારમાં હાજરી
શેફાલી જરીવાલા બિગ બોસની 13મી સીઝનની સ્પર્ધક હતી. આ શોમાં રશ્મિ દેસાઈ સિવાય હિન્દુસ્તાની ભાઉ, માહિરા શર્મા, આરતી સિંહ તેના સારા મિત્રો બની ગયા હતા. આ ત્રણેય શેફાલી જરીવાલાના અંતિમદર્શન માટે પહોંચ્યા હતા. બિગ બોસની 13મી સીઝનની શેફાલી એવી બીજી સ્પર્ધક છે, જેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. આ સીઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું પણ 2021માં હાર્ટ એટેકના કારણે 40 વર્ષની વયે અવસાન થયું હતું.
આપણ વાંચો : શું ખાલી પેટ દવા અને ઈન્જેક્શન લેવાથી શેફાલી મોતને ભેટી? પોસ્ટમોર્ટમમાં થશે ખુલાસા