મુંબઈ: ઉત્તર પ્રદેશના અયોધ્યા (Ayodhya)માં નવનિર્મિત ભવ્ય રામ મંદિર(Ram Mandir)માં અગામી 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનો અભિષેક વિધિ થશે. પરંતુ તેના થોડા દિવસો પહેલા જ અભિનેતા રણવીર શૌરી(Ranvir Shorey)એ તેમણે અગાઉ આપેલા નિવેદન અંગે માફી માંગી છે. રણવીર શૌરી અગાઉ રામ મંદિરના નિર્માણના વિરોધમાં હતા. તેમેણે અગાઉ કહ્યું હતું કે મંદિરને બદલે હોસ્પિટલ અથવા સ્મારક બનાવવામાં આવે. પરંતુ હવે રણવીર શૌરીએ એ નિવેદન અંગે માફી માંગી લીધી છે.
22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેકની વિધિ પહેલા 15 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. અભિષેક સમારોહ માટે લગભગ 8 હજાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ પણ સામેલ છે. આ દરમિયાન રણવીર શૌરીએ બધાની માફી માંગતા સોશિયલ મડિયા પર એક પોસ્ટ લખી છે.
રણવીર શૌરીએ લખ્યું, ‘હું એવા ઘણા હિંદુઓમાંનો એક હતો જેઓ અયોધ્યામાં રામ મંદિરની બલિ ચડાવવા તૈયાર હતા અને ઈચ્છતા હતા કે તેની જગ્યાએ કોઈ સ્મારક અથવા હોસ્પિટલ બનાવવામાં આવે, જેથી બે સમુદાયો વચ્ચે લાંબા ગાળાની શાંતિ જળવાઈ રહે. આજે હું શરમ અનુભવું છું કે હું શાંતિની વેદી પર પ્રામાણિકતાનું બલિદાન આપવા તૈયાર હતો. હું શરમ અનુભવું છું કે મેં મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ અને તેમના મૂલ્યોની તરફેણ ના કરી. સત્ય અને ન્યાય માટે આ લાંબી અને સખત લડાઈ લડનારા દરેકને મારા હૃદયપૂર્વક અભિનંદન. હું ભગવાન રામને ભવિષ્યમાં બધાને ક્ષમા અને સતબુદ્ધિ અર્પે એવી પ્રાર્થના કરું છું. આપણી આ મહાન ભૂમિમાં ધર્મ અનંતકાળ માટે પ્રવર્તે અને તેની સાથે તમામ લોકો માટે કાયમી શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના.’